5-10 લાખની વાર્ષિક આવકવાળાઓને ટેક્સમાં રાહત મળવાની ધારણાઃ નવા ટેક્સ સ્લેબ્સની ભલામણ

મુંબઈ – સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના સભ્ય અખિલેશ રંજનની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે રચેલી ડાયરેક્ટ ટેક્સ કોડ ટાસ્ક ફોર્સે વ્યક્તિગત કરદાતાઓ માટે એક નવી ટેક્સ વ્યવસ્થાની રચના કરવાનું સૂચન કર્યું છે. દેશના આવકવેરા કાયદાને 58 વર્ષ થઈ ગયા છે. એમાં ફેરફારો કરવાનું આ ટાસ્ક ફોર્સે સૂચવ્યું છે.

જો આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો જેમની વાર્ષિક આવક રૂ. પાંચ લાખથી રૂ. 10 લાખની વચ્ચે છે એમણે કદાચ 10 ટકા આવકવેરો ચૂકવવાનો આવશે.

એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિગત આવકવેરાના સ્લેબ્સમાં ધરખમ ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. આમાં જે લોકો વાર્ષિક રૂ. 10-20 લાખની વચ્ચેની આવક ધરાવતા હોય એમને માટેનો પર્સનલ ઈન્કમ ટેક્સ ઘટાડીને 20 ટકા કરવાનું સૂચન છે.

પહેલા ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર સૂચવાયો નથી. એટલે કે વાર્ષિક અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. ત્યારબાદ અઢી લાખથી પાંચ લાખની વચ્ચેની આવકવાળાઓ માટે પાંચ ટકા ટેક્સ ભરવો પડે છે. પાંચ લાખ સુધીની આવકવાળાઓને સંપૂર્ણ ટેક્સ રીબેટ આપવાની ભલામણ કરવામાં આવી જ છે. જ્યારે 5-10 લાખ વચ્ચેની આવકવાળાઓએ 20 ટકા અને રૂ. 10 લાખથી વધુની આવકવાળાઓએ 30 ટકા ટેક્સ ભરવો પડે છે.

સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું છે કે ટાસ્ક ફોર્સે સરકારને હાલના પાંચ ટકા, 20 ટકા અને 30 ટકાના ટેક્સ સ્લેબ્લને બદલે પાંચ ટેક્સ સ્લેબ્સ રાખવાની ભલામણ કરી છે, એટલે કે – પાંચ ટકા, 10 ટકા, 20 ટકા, 30 ટકા અને 35 ટકા.

પાંચ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને જોકે એમણે ચૂકવેલા કર ઉપર રીબેટ આપવામાં આવશે, જેની જાહેરાત 2019નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે વચગાળાના નાણાં પ્રધાન પીયૂષ ગોયલે કરી હતી. આનો મતલબ એ કે પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. નવી વ્યવસ્થા જો લાગુ થાય તો પાંચ લાખથી 10 લાખ વચ્ચેની આવકવાળાઓ 10 ટકા ટેક્સ ભરવો પડશે. આમ, એવી વ્યક્તિઓ વર્ષેદહાડે રૂ. 37 હજાર જેટલી રકમ બચાવી શકશે.

ટાસ્ક ફોર્સે પોતાનો અહેવાલ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને સુપરત કરી દીધો છે, પરંતુ તે હજી જાહેર કરવામાં આવ્યો નથી.

હાલ જેમની વાર્ષિક આવક 20 લાખ રૂપિયા હોય એમણે 30 ટકા ટેક્સ ભરવો પડે છે અને જેમની આવક બે કરોડ રૂપિયા હોય એમણે પણ 30 ટકા જ ભરવો પડે છે.

ટાસ્ક ફોર્સે સુપર-રિચ લોકો માટે નવો – 35 ટકાવાળો સ્લેબ બનાવવાની ભલામણ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]