નવી દિલ્હી- એક સામાન્ય કામ નહીં કરવા પર દેશમાં લગભગ 24 કરોડ લોકોના પેન (PAN) કાર્ડ નકામા થઈ શકે છે. હક્કીકતમાં આવક વેરા વિભાગ 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર સાથે લિન્ક નહીં કરેલા હોય તેવે પેન કાર્ડને નિષ્ક્રીય કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 30 સપ્ટેમ્બર આધાર-પેન લિન્ક કરવાની અંતિમ તારીખ છે.
આંકડાઓ અનુસાર 44 કરોડ પેન કાર્ડમાંથી લગભગ 24 કરોડ જેટલા પેન કાર્ડને આધાર સાથે લિન્ક કરવાના બાકી છે. જૂલાઈ 2017માં આધાર કાર્ડ સાથે જોડાયેલા એક નિર્ણય બાદ આધાર-પેન લિન્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં આધાર-પેન લિન્કિંગ થયાં છે. કેટલાક કરદાતાઓએ નામમાં સુધારાની લાંબી પ્રક્રિયાને કારણે આધાર સાથે પેન લિન્ક કેન્સલ થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે લિકિંગની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જે લોકોનું પેન કાર્ડ આધાર સાથે લિન્ક નહીં થયું હોય તે વર્તમાન અસેસમેન્ટ વર્ષ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) પણ ફાઈલ નહીં કરી શકે. આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈ છે, ત્યારબાદ રિટર્ન ફિ સાથે સપ્ટેમ્બર સુધીમાં જમા કરી શકાશે.
આ રીતે કરી શકશો આધાર-પેન લિન્ક….
આવક વેરા વિભાગની વેબસાઈટ પર જઈને હોમપેજ પર લિન્ક આધારનો વિકલ્પ આપવામાં આવેલો છે. એકાઉન્ટ બનાવવા માટે રજીસ્ટ્રેશન કરો, ત્યાર બાદ લોગઈન કરો. હવે પ્રોફાઈલના સેટિંગમાં જઈને આધાર પેન લિન્કિંગ ઓપ્શન પર ક્લિક કરો. અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ આપવાનો રહેશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારું આધાર પેન સાથે લિન્ક થઈ જશે. આ ઉપરાંત સ્માર્ટ ફોનની મદદથી પણ તમે લિન્ક કરી શકો છો. એસએમએસ દ્વારા લિન્ક કરવા માટે 567678 અથવા તો 56161 પર એસએમએસ મોકલીને પણ આધાર-પેન લિન્ક કરી શકો છો.