નવી દિલ્હી: પગારના સંકટનો સામનો કરી રહેલા BSNL અને MTNL ના કર્મચારીઓના ઘરે આ વખતે દિવાળીની ઉજવણી થવી મુશ્કેલ છે. હકીકતમાં તહેવારોની સીઝનમાં પગાર નહીં મળવાને કારણે આ કર્મચારીઓ પરેશાન છે. ટેલિકોમ સેક્ટરમાં દેવા હેઠળ દબાયેલ આ બંન્ને જાહેર ક્ષેત્રના એકમો બંધ કરવાની આશંકાઓથી પરેશાન આ કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.
એમટીએનએલ કર્મચારીઓએ ઈન્ડિયા ગેટથી વડાપ્રધાન નિવાસ સુધી એટલે કે, 7 લોક કલ્યાણ માર્ગ સુધી વિરોધ માર્ચ કાઢવાને લઈને નોટિસ આપી છે, જ્યારે બીએસએનએલ કર્મચારી સંઘ પોતાની માંગણીઓને લઈને શુક્રવારે એક દિવસીય ભૂખ હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે, આ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર પણ હજુ સુધી નથી મળ્યો.
22 હજાર એમટીએનએલ કર્મચારીઓને છેલ્લા બે મહિના (ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2019)થી પગાર નથી મળ્યો. તો બીજી તરફ 1.58 લાખ બીએસએનએલ કર્મચારીઓને છેલ્લા મહિનાનો પગાર નથી મળ્યો. એમટીએનએલ એક્ઝિક્યુટિવ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી વીકે તોમરે કહ્યું કે, અમે વિરોધ માર્ચ કાઢવાને લઈને અધિસૂચના જાહેર કરી દીધી છે. બુધવારે 16 ઓક્ટોબરે સાંજે ઈન્ડિયા ગેટથી પીએમ આવાસ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.
આ દરમ્યાન મુંબઈમાં પણ કર્મચારીઓ કેન્ડલ લઈને વિરોધ માર્ચ કાઢશે, જે આઝાદ મેદાનથી રાજ્યપાલ નિવાસ સુધી જશે. તોમરે કહ્યું કે, જુલાઈનો પગાર 20 દિવસ મોડો આપવામાં આવ્યો જે અમને 20 ઓગસ્ટે મળ્યો. એમટીએનએલના કર્મચારીઓને આના પછી એક પણ મહિનાનો પગાર ચૂકવવામાં નથી આવ્યો.