પારલે-G બિસ્કીટ્સનો ચોખ્ખો નફો 15 ટકા વધ્યો

મુંબઈ – એક તરફ દેશમાં આર્થિક મંદીને કારણે બૂમરાણ મચી ગઈ છે ત્યારે ખાનગી ક્ષેત્રની કંપની પારલે-G બિસ્કીટ્સ, જે પારલે પ્રોડક્ટ્સ ગ્રુપનો એક હિસ્સો છે, એણે નાણાકીય વર્ષ 2018-19માં 15.2 ટકાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જોકે આ ગ્રુપે તથા અન્ય ટોચના બિસ્કીટ ઉત્પાદકોએ સરકારને કહ્યું છે કે તે બિસ્કીટ્સ ઉપરનો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ઘટાડી દે.

પારલે બિસ્કીટ્સે ટ્વિટર પર શેર કરેલી માહિતી અનુસાર, એણે નાણાકીય વર્ષ 2019માં રૂ. 410 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષમાં રૂ. 355 કરોડ હતો. કંપનીની આવક પણ વર્ષાનુસાર, 6.4 ટકા વધીને રૂ. 9,030 કરોડ થઈ છે, જે પાછલા વર્ષમાં રૂ. 8,780 કરોડ હતી.

કંપનીની અન્ય આવક પણ 26 ટકા વધી છે.

ગયા ઓગસ્ટમાં એવા અહેવાલો હતા કે બિસ્કીટ્સનું વેચાણ ઘટી ગયું હોવાથી અને સરકારે 18 ટકા જીએસટી લાગુ કર્યો હોવાથી બિસ્કીટ્સનું ઉત્પાદન પણ ઘટાડી દેવું પડતાં પારલે પ્રોડક્ટ્સ તેના હજારો કર્મચારીઓને છૂટા કરશે. જોકે પારલે કંપનીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે પોતે કર્મચારીઓને છૂટા કરવાની નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]