મુંબઈઃ અમેરિકામાં ઈક્વિટી માર્કેટમાં કડાકો બોલાયો તેને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ નરમાશ આવી ગઈ છે. રોકાણકારોએ ઈક્વિટી અને ક્રિપ્ટો બન્નેમાં રોકાણ કરવાનું ટાળ્યું છે. વધી રહેલી ભૂરાજકીય સમસ્યાઓ તથા મેક્રો-ઈકોનોમિક નબળાઈને પગલે અમેરિકામાં શુક્રવારે નાસ્દાક ઘટી ગયો હતો અને ઓક્ટોબર, 2008 પછીના સૌથી ખરાબ કામગીરીના મહિના તરીકે એપ્રિલ મહિનાનું કામકાજ પૂરું થયું હતું. એસ એન્ડ પી 500 માટે માર્ચ, 2020 પછીનો સૌથી વધુ ખરાબ મહિનો હતો.
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે સમગ્ર વિશ્વમાં પુરવઠા તંત્ર ખોરવાઈ ગયું હોવાથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. આ વર્ષે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું હોવાથી લોકો વધારે જોખમ લેવા તૈયાર નથી.
શનિવારે બિટકોઇન 1.5 ટકાના ઘટાડા સાથે 38,600ની આસપાસ ચાલી રહ્યો હતો. એ જ રીતે ઈથેરિયમ 2 ટકા ઘટીને 2800 ડોલરની નજીક હતો. મુખ્ય ઓલ્ટરનેટિવ ક્રિપ્ટોમાંથી સોલાના અને ટેરાના નેટિવ ટોકન ત્રણેક ટકા ઘટી ગયા હતા. રિપલમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.32 ટકા (762 પોઇન્ટ) ઘટીને 56,762 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 57,525 ખૂલીને 57,862 સુધીની ઉપલી અને 57,421 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
————–
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
57,525 પોઇન્ટ | 57,862 પોઇન્ટ | 57,421 પોઇન્ટ | 56,762 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 30-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
————————–