નોએડાઃ ફૂડ એન્ડ પેકેજિંગ કંપની હલ્દીરામની વેબસાઇટ પર મોટો સાઇબર હુમલો થયો છે. સાઇબર અપરાધીઓએ કંપનીના માર્કેટિંગ બિઝનેસથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ ડેટાને ડિલીટ કરી દીધો છે. આ ઉપરાંત ડેટા પરત કરવા માટે સાઇબર અપરાધીઓએ કંપની પાસે રૂ. 7.5 લાખની ખંડણી પણ માગી છે.
કંપનીનું કહેવું છે કે આ સાઇબર હેકિંગ 12 જુલાઈની મોડી રાતે થયું હતું. આ મામલે હલ્દીરામ કંપનીના DGM ITની ફરિયાદ પર 14 ઓક્ટોબરની મોડી રાતે સેક્ટર-58ના પોલીસે રિપોર્ટ નોંધ્યો છે. નોએડા સેક્ટર-62ના સી-બ્લોકમાં કંપનીની કોર્પોરેટ ઓફિસ છે. અહીંથી કંપનીનો આઇટી વિભાગ સંચાલિત અને નિયંત્રિત થાય છે. DGM IT અઝીઝ ખાને પોલીસને ફરિયાદ કરી છે કે 12 અને 13 જુલાઈએ રાત્રે કોર્પોરેટ ઓફિસના સર્વર પર વાઇરસ અટેક થયો હતો.
આનાથી માર્કેટિંગ બિઝનેસથી માંડીને અન્ય વિભાગના ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે. કેટલીક અગત્યની ફાઇલો પણ ગાયબ થઈ ગઈ છે. જ્યારે આની માહિતી કંપનીના ઉચ્ચ અધિકારીઓને થઈ તો પહેલાં આંતરિક તપાસ કરવામાં આવી. ત્યાર બાદ અધિકારીઓ અને વાઇરસ એટેક કરનારાઓ વચ્ચે ચેટ થઈ હતી. એ વખતે સાઇબર ક્રિમિનલે ડેટા પરત કરવા માટે કંપની પાસેથી રૂ. 7.5 લાખની માગણી કરી હતી. આ મામલે DGM IT અઝીઝ ખાનની ફરિયાદને પગલે સેક્ટર-58 પોલીસે 14 ઓક્ટોબરે છેતરપીંડી અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
