નવી દિલ્હીઃ જાણીતા અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની સમિતિએ ભલામણ કરી છે કે કેન્દ્ર સરકારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) પરની આબકારી જકાત ત્યાં સુધી ઘટાડી દેવી જોઈએ જ્યાં સુધી આ પર્યાવરણ અનુકૂળ કુદરતી ગેસને એક-દેશ-એક-ટેક્સ એવા જીએસટીના માળખામાં સામેલ કરવામાં ન આવે.
નેચલર ગેસને હાલ જીએસટીના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે. આ ઈંધણ પર હાલ કેન્દ્રીય આબકારી જકાત, રાજ્ય વેલ્યૂ એડેડ ટેક્સ (VAT) તથા અન્ય કેન્દ્રીય વેચાણ વેરો લાગુ કરાય છે. કેન્દ્ર સરકાર સીએનજી (ગેસના સ્વરૂપમાં વેચાય ત્યારે) પર 14 ટકા એક્સાઈઝ ડ્યૂટી લગાડે છે અને રાજ્ય સરકારો 24.5 ટકા વેટ લગાડે છે.
નેચરલ ગેસ ઉપરાંત ક્રુડ ઓઈલ, પેટ્રોલ, ડિઝલ તથા એટીએફ (હવાઈ ઈંધણ)ને હાલ જીએસટીના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. ગુજરાત જેવા ગેસ-ઉત્પાદક રાજ્યોને ડર છે કે જો સીએનજીને જીએસટીના દાયરામાં મૂકી દેવાશે તો એમને વેટ તથા અન્ય કરવેરા રૂપી થતી આવક ઘટી જશે.