નવી દિલ્હીઃ નાણાપ્રધાને ગઈ કાલે સંસદમાં રજૂ કરેલા બજેટમાં ક્રિપ્ટો કરન્સીની કમાણી પર હવે 30 ટકા ટેક્સ લગાવ્યો છે. આ સિવાય ક્રિપ્ટોકરન્સીથી ટ્રાન્ઝેક્શન કરવા પર એક ટકો TDS પણ લાગશે. જોકે ભારતીય ક્રિપ્ટો રોકાણકારો સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સથી ચિંતિત છે, કેમ કે હાલમાં ક્રિપ્ટોકરન્સીમાં ભારે વેચવાલીથી કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. વળી, રોકાણકારો ક્રિપ્ટો કરન્સી વિશે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીમાં આવેલા આ પરિવર્તનથી બહુબધા નાના રોકાણકારો હવે વિચારી રહ્યા છે કે ક્રિપ્ટોમાં મૂડીરોકાણ કરવું કે નહીં? આ ઉપરાંત છેલ્લા બે મહિનામાં ક્રિપ્ટો બજારમાં કરન્સીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે તેમના હોલ્ડિંગથી પણ નીચે છે, એમ નોઇડા સ્થિત ક્રિપ્ટો કોમેન્ટેટર વિશાલ ગુપ્તાએ કહ્યું હતું.
જોકે બીજી બાજુ, મોટા ભાગનાં એક્સચેન્જોમાં બજેટ ભાષણ પછી ટ્રેડિંગ વોલ્યુમમાં કોઈ મોટો ફરક જોવા નથી મળ્યો. જોકે બજેટમાં લગાવવામાં આવેલા ટેક્સની ટ્રેડિંગ પરની અસરનો હાલ અંદાજ લગાવવો મુશ્કેલ છે. હજી કેટલાક દિવસો પછી ક્રિપ્ટો બજારમાં એની સ્પષ્ટ અસર વિશે માલૂમ પડશે, એમ બાયયુકોઇનના CEO શિવમ ઠકરાલે કહ્યું હતું. હાલ આ પ્લેટફોર્મ પર કોઈ વેચવાલી અથવા ગભરાટ નથી જોવા મળ્યો. હાલ બજેટમાં થયેલી જાહેરાત પછી સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળ્યું છે. રોકાણકારોને અને એન્ટરપ્રિન્યોરને આશા છે કે બજેટમાં થયેલી ઘોષણા વિશે સ્પષ્ટતા થશે.
બજેટની થયેલી જાહેરાતો પછી સાંજે પાંચ વાગ્યે ક્રિપ્ટોની મોટા ભાગની મુખ્ય કરન્સીઓમાં બિટકોઇન 3.96 ટકા (38,425 ડોલર) એથેરિયમ 9.40 ટકા, સોલાના 18.58 ટકા અને કાર્ડાનો 3.79 ટકા વધી છે.
બજેટમાં થયેલી જાહેરાત પછી રોકાણકારો સરકાર પાસે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.