ક્રુડ-તેલના ભાવ ગગડી ગયા, પણ ભારતમાં પેટ્રોલ-ડિઝલ ‘જૈસે-થે’

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે ખનિજ તેલની કિંમત અડધોઅડધ ઘટી ગઈ છે. દુનિયાભરમાં ખૂબ વેચાતું WTI સ્વીટ ક્રુડ તેલની કિંમત પ્રતિ બેરલ 72.06 ડોલર થઈ ગઈ છે. જ્યારે બ્રેન્ટ ક્રુડની કિંમત આશરે 76.15 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી ગઈ છે. તે છતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે 202મા દિવસે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે 6 વાગ્યે ભારતીય બજારો માટે પેટ્રોલ-ડિઝલની કિંમત જાહેર કરી હતી. તે અનુસાર, સૌથી મોંઘું પેટ્રોલ, ડિઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે જ્યારે સૌથી સસ્તું પેટ્રોલ, ડિઝલ પોર્ટ બ્લેરમાં છે. શ્રીગંગાનગર કરતાં પોર્ટ બ્લેરમાં પેટ્રોલ રૂ. 29.39 જેટલું સસ્તું છે જ્યારે ડિઝલ રૂ. 18.50 જેટલું સસ્તું છે.