વર્ષ 2020-21માં દેશનો જીડીપી આંક 7.3% ઘટ્યો

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરમાં ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા તાજા આંકડા અનુસાર, વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી – કુલ ઘરેલૂ ઉત્પાદન)માં માઈનસ 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડો ગયા વર્ષે 4 ટકાનો હતો. ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં જીડીપી વિકાસ દર 1.6 ટકા નોંધાયો હતો. આ આંકડો 2020-21ના ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરના 0.5 ટકા કરતાં સારો હતો. જોકે પડોશી ચીને 2021ના જાન્યુઆરી-માર્ચમાં 18.3 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટીકલ ઓફિસ (એનએસઓ) દ્વારા ગયા જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય એકાઉન્ટ્સ પૂર્વે એડવાન્સ એસ્ટિમેટ્સમાં વર્ષ 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ એણે તેના બીજા અનુમાનમાં 2020-21માં 8 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું હતું. જીડીપી આંક કોઈ પણ દેશના અર્થતંત્રની સ્થિતિને દર્શાવે છે, આર્થિક તંદુરસ્તીનું માપદંડ છે. એના પરથી જ જાણી શકાય છે કે જે તે દેશનો આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ કેવાં છે. ટૂંકમાં, જીડીપી દર વધારે હોય તો સમજવું કે આર્થિક વિકાસ દર વધ્યો છે. જીડીપી આંક દર ક્વાર્ટરમાં (દર ત્રણ મહિને), એટલે કે વર્ષમાં ચાર વખત બહાર પાડવામાં આવે છે. જીડીપીની ગણતરી ચાર ઘટકોને આધારે કરાય છે – ઉત્પાદન ખર્ચ, સરકારી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને ચોખ્ખી નિકાસ.