મુંબઈઃ કમોસમી વરસાદ પડવાને કારણે અનેક રાજ્યોમાં છૂટક તથા જથ્થાબંધ બજારોમાં ટમેટાંના ભાવ ખૂબ વધી ગયા છે. બજારોમાં શાકભાજી ટમેટાંની ડિમાન્ડ કાયમ રહેતી હોય છે, પરંતુ હાલ એના ભાવ આસમાને જતાં રસોડાઓમાંથી અને સલાડની પ્લેટ્સમાંથી ટમેટાં ગાયબ થઈ ગયા છે.
શાકભાજી વિક્રેતાઓનું કહેવું છે કે કમોસમી વરસાદનું હવામાન જો ચાલુ રહેશે તો આવનારા અઠવાડિયાઓમાં ટમેટાંના ભાવ ઓર વધી જશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં મુસળધાર વરસાદ પડતાં ખેતીને નુકસાન થયું છે. તે ઉપરાંત ઈંધણના ભાવ, ખાસ કરીને ડિઝલના ભાવ પણ વધી જતાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધ્યો છે. આને કારણે ટમેટાં ઉપરાંત અન્ય શાકભાજીઓની કિંમત વધી છે. મુંબઈ અને અમદાવાદની બજારોમાં ટમેટાંના ભાવ પ્રતિ કિલો રૂ. 45 જેટલા બોલાય છે.