નવી દિલ્હીઃ બેંકો માટે એટીએમમાં પૈસા નાંખવાને લઈને નવા નીયમ જાહેર થયા છે જે અંતર્ગત શહેરોમાં કોઈપણ એટીએમમાં રાત્રે 9 વાગ્યા બાદ પૈસા નહી નાંખવામાં આવે. તો ગ્રામીણ વિસ્તારોના એટીએમમાં સાંજે 6 વાગ્યા સુધીમાં જ પૈસા નાંખવામાં આવશે. આ વ્યવસ્થા આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. ગૃહમંત્રાલયે આ મામલે નવા નિર્દેશ જાહેર કર્યા છે.
સુરક્ષાના દ્રષ્ટીકોણથી પૈસા લઈ જનારા વાહન સાથે બે હથિયારધારી ગાર્ડ હશે. નક્સલી અને હિંસા પ્રભાવિત વિસ્તારોના એટીએમમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં જ પૈસા નાંખવામાં આવશે.
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફીકેશનમાં કહેવાયું છે કે એસઓપી 8 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. કેશ વેન, કેશ વોલ્ટ અને એટીએમ ફ્રોડ તથા અન્ય ફ્રોડના મામલાઓ વધવાને લઈને આ પગલું ભરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રાઈવેટ સેક્ટરની આશરે 8 હજાર જેટલી કૈશ વેન કામ કરી રહી છે. આ કેશ વેનો દ્વારા રોજ આશરે 15,000 કરોડ રુપિયાની કેશનું પરિવહન કરવામાં આવશે.
પ્રત્યેક કેશ વેનમાં એક ડ્રાઈવર સીવાય બે સુરક્ષા ગાર્ડ, બે એટીએમ અધિકારી રાખવા જરુરી હશે. તો સાથે જ હથિયારબંધ ગાર્ડને ડ્રાઈવર સાથે આગળની સીટ પર બેસવાનું રહેશે જ્યારે બીજો ગાર્ડ પાછલી સીટ પર બેસશે.
અહીંયા જણાવાયું છે કે કેશ ટ્રાન્સપોર્ટ માટે પૂર્વ સૈન્યકર્મીઓને સુરક્ષાગાર્ડ સ્વરુપે નિયુક્તિ માટે પ્રાથમિકતા આપવી જોઈએ. પ્રત્યેક કેશ વેનમાં ટીપીએસ ઉપકરણ હોવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ કેશ વેનમાં એક વારમાં પાંચ કરોડ રુપિયાથી વધારે પૈસા ન લઈ જવા જોઈએ.