તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવી સત્તા સ્થાને પુનઃ બિરાજેલી એનડીએ સરકાર વતી નાણાપ્રધાન નિર્મલા સિતારામને પોતાનું પ્રથમ અંદાજપત્ર આજે રજૂ કર્યું હતું. નાણાપ્રધાને અંદાજપ્તર પરનાં પોતાના વક્તવ્યમાં આડકતરા કરવેરા, મુખ્યત્વે જીએસટી અને કસ્ટમ ડ્યૂટી સંબંધી કેટલીક મહત્ત્વની દરખાસ્તોનો ઉલ્લેખ કર્યો હતો. ફાઈનાન્સ (નં.2) બિલ, 2019ની આ અમુક દરખાસ્તો સંબંધી જોગવાઈઓ વિશે અત્રે સંક્ષિપ્તમાં અભ્યાસ પ્રસ્તુત છે.
જીએસટી અંતર્ગત રીર્ટન ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના જીએસટી કાઉન્સિલના નિર્ણયનો નાણાપ્રધાને પુનઃ ઉલ્લેખ કર્યો હતો. રૂ.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં કરદાતાઓએ માસિક ધોરણે અને એનાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાઓએ ત્રિ-માસિક ધોરણે રીર્ટન દાખલ કરવાનો પ્રસ્તાવ છે.
આ નવી પ્રક્રિયાનો પ્રાયોગિત ધોરણે અમલ જુલાઈ, 2019થી સપ્ટેમ્બર 2019ના ત્રિ-માસિક સમયગાળા માટે કરવામાં આવશે.
આ ઉપરાંત ઈ-ઈન્વોસિંગની પ્રથા પણ દાખલ કરવાનો નિર્ણય કાઉન્સિલે લીધો હતો, જેની જાહેરાત તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની 35મી બેઠક બાદ કરવામાં આવી હતી. નાણાપ્રધાને આ નિર્ણયનો ફરી ઉલ્લેખ કરી જણાવ્યું છે કે ઈ-ઈન્વોસિંગની પ્રથા અંતર્ગત સ્વતંત્ર ઈ-વે બિલ ઈસ્યૂ કરવાની આવશ્યક્તા નહીં રહે. ઈ-ઈન્વોસિંગની આ પ્રથાનો અમલ જાન્યુઆરી, 2020થી કરવામાં આવે એવી ધારણા છે.
ઉપરોક્ત દરખાસ્તોને કાયદાકીય પીઠબળ પૂરું પાડતી જોગવાઈઓ પ્રસ્તુત નાણા ખરડા અન્વયે સીજીએસટી એક્ટ, 2017માં આવશ્યક સુધારા સૂચિત કરીને કરવામાં આવી છે.
કાઉન્સિલે એની 35મી બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય પણ લીધો હતો. પ્રસ્તુત નાણા ખરડા દ્વારા સીજીએસટી એક્ટના સેક્શન 25માં આ સંબંધી જરૂરી સુધારા સૂચિત કરવામાં આવ્યા છે. સૂચિત જોગવાઈઓ મુજબ પ્રત્યેક રજિસ્ટર્ડ વ્યક્તિએ નિર્દિષ્ટ કર્યા મુજબ સત્યતા પ્રસ્થાપિત કરવાની (Authentication) અથવા તો આધાર કાર્ડની સાબિતી રજૂ કરવાની રહેશે. આ જ પ્રમાણે નવું રજિસ્ટ્રેશન મેળવવા ઈચ્છુક વ્યક્તિએ પણ આ શરતનું પાલન કરવાનું રહેશે. વ્યક્તિ (Individual) સિવાય અન્ય કોઈ જેમ કે ભાગીદારી પેઢી, કંપની, ટ્રસ્ટ વગેરે નવું રજિસ્ટ્રેશન મેળવવા ઈચ્છે તો અરજદારે કર્તા, મેનેજિંગ ડાયરેક્ટર, હોલ-ટાઈમ ડાયરેક્ટર, ભાગીદારો, એસોસિએશનની મેનેજિંગ કમિટીના સદસ્યો બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, અધિકૃત પ્રતિનિધી, અધિકૃત સહિકર્તા કે અન્ય નિર્દિષ્ટ વ્યક્તિના આધાર કાર્ડ રજૂ કરવાનાં રહેશે અથવા સૂચિત પ્રક્રિયા મુજબ ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે.
અંદાજપત્રની અન્ય એક મહત્ત્વની જોગવાઈ જીએસટીની વિલંબિત ચૂકવણી પર વ્યાજની વસૂલાત સંબંધી છે. સીજીએસટી એક્ટ, 2017ના સેક્શન 50ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ હાલ જો જીએસટીની ચૂકવણીમાં વિલંબ થાય તો કરદાતાએ સંપૂર્ણ રકમ પર વ્યાજ ચૂકવવાનું રહે છે. આ વ્યાજની ગણતરી કરતી વખતે કરદાતા પાસે ઉપલબ્ધ ઈન્પૂટ ટેક્સ ક્રેડિટને ગણતરીમાં લઈ શકાતી નથી. મેઘા એન્જિનિયરિંગના કેસમાં તેલંગણા હાઈકોર્ટે પણ સેક્શન 50ની જોગવાઈના આ અર્થઘટનને માન્ય રાખ્યું હતું.
કરદાતાઓ પર પારાવાર બોજ નાખતી આ જોગવાઈમાં સુધારો કરીને કેવળ રોકડમાં જ વિલંબથી ચૂકવાયેલ જીએસટીની રકમ પર વ્યાજ લેવાની જોગવાઈ દાખલ કરવાનો નિર્ણય કાઉન્સિલે લીધો હતો. આ નિર્ણયને અમલમાં મૂકતી પ્રસ્તાવિત કાયદાકીય જોગવાઈ હવે અંદાજપત્ર અન્વયે સેક્શન 50માં સુધારો કરીને કરવામાં આવી છે. સૂચિત જોગવાઈ મુજબ જો જીએસટીની રકમ ભરવામાં કરદાતા વિલંબ કરે અને એની ચૂકવણી પાછળથી કરે તો જેટલી રકમ ઈલેક્ટ્રોનિક કેશ લેજર (રોકડ સ્વરૂપે) થકી ભરવામાં આવે એના પર જ વ્યાજ વસૂલ કરવામાં આવશે. કરદાતા જેટલી રકમ ઈન્પૂટ ટેક્સ ક્રેડિટમાં `ડેબિટ’ કરશે એના પર એણે વ્યાજ ચૂકવવાનું નહીં રહે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જો કરદાતાને જીએસટીની ચૂકવણી સમયસર ન કરવા બદલ સેક્શન 73 અથવા 74 અંતર્ગત શો-કોઝ નોટિસ ઈસ્યૂ થઈ ચૂકી હોય તો પ્રસ્તુત જોગવાઈની વ્યાજની ગણતરી સંબંધી રાહતનો લાભ નહીં મળે.
અંદાજપત્રની આ જોગવાઈથી કરદાતાઓ રાહતનો શ્વાસ લેશે. સેક્શન 50ની પ્રવર્તમાન જોગવાઈને કારણે દેશભરમાં કરની સમયસર ચૂકવણી ન કરનાર કરદાતાઓ સામે સંપૂર્ણ રકમ પર વ્યાજ વસૂલ કરતી નોટિસો ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસ્યૂ કરવામાં આવી છે. સૂચિત જોગવાઈ પછી શક્યતઃ ભવિષ્યમાં કરદાતાઓએ આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. પરંતુ સૂચિત જોગવાઈ પાછલી તારિખથી એટલે કે 1 જુલાઈ, 2017થી કાયદેસર રીતે અમલી ગણી શકાય કે નહીં એ એક પેચીદો કાનૂની મુદ્દો છે અને એ મુદ્દે નવેસરથી કાનૂની જંગ છેડાય એવી ભારોભાર શક્યતા છે.
કરદાતાઓને રાહત બક્ષતી અન્ય એક અંદાજપત્રીય જોગવાઈ ટેક્સ, વ્યાજ, દંડ, ફી વગેરેને આંતરિક ટ્રાન્સફર સંબંધી છે. સેક્શન 49માં સૂચિત સુધારા મુજબ કરદાતા ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં ઉપલબ્ધ ટેક્સ, વ્યાજ, દંડ, ફી કે અન્ય કોઈ પણ રકમને ઈન્ટિગ્રેડેટ ટેક્સ, સેન્ટ્રલ ટેક્સ, સ્ટેટ ટેક્સ કે સેસ ખાતે નિર્દિષ્ટ શરતોને આધારે ટ્રાન્સફર કરી શકશે અને આ ટ્રાન્સફરને ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાંથી મળેલ રીફંડ ગણવામાં આવશે.
પ્રસ્તુત જોગવાઈ આવકારપાત્ર છે અને કરદાતાઓ માટે આશીર્વાદ પૂરવાર થશે.
અન્ય એક મહત્ત્વની જાહેરાત અગાઉની આડકતરા કરવેરા સંબંધી નવી `એમ્નેસ્ટી યોજના’ સંબંધી છે. નાણાપ્રધાને કહ્યું હતું કે લગભગ રૂ.3.75 લાખ કરોડ જેટલી રકમ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સસાઈઝના કાનૂની વિવાદોમાં અટવાયેલી છે. ભૂતકાળના આ ભારને ખંખેરીને વ્યાપાર-ઉદ્યોગ ભવિષ્ય તરફ મીડ માંડીને આગળ વધે એ બાબત પર તેઓએ ભાર મૂક્યો હતો. આ ઉમદા (?) હેતુથી નાણા પ્રધાને `સબકા વિકાસ લિગસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ, 2019’ના રૂપાળા નામ હેઠળ એક `કરમાફી (એમ્નેસ્ટી) યોજના’ દાખલ કરી છે, જે સંબંધી કાયદાકીય જોગવાઈઓ નાણાં ખરડાના પ્રકરણ 5માં સમાવિષ્ટ છે. આ યોજના હેઠળ કુલ્લે 26 આડકતરા કરવેરા સંબંધી અગાઉ અમલમાં રહેલા કાયદને આવરી લેવાયેલ છે જે અંતર્ગત એક્સાઈઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ વિવિધ પ્રકારની સેસ વગેરે વસૂલ કરવામાં આવતી હતી. આ યોજનાનો લાભ અનેક શરતોને આધીન છે. પરંતુ પ્રથમદર્શી નજરે આ `કરમાફી યોજના’ અતિ આકર્ષક જણાય છે કારણ કે એ અંતર્ગત કરદાતાએ કાનૂની વિવાદમાં સંડોવાયેલી રકમના 30થી 60 ટકા જેટલી જ રકમની ચૂકવણી કરવી પડે એવી જોગવાઈ છે અને કરદાતાને દંડ તથા વ્યાજમાંથી પણ મોટી રાહત મળવાની શક્યતા છે.
જીએસટી સંબંધી ઉપરોક્ત મુખ્ય અંદાજપત્રીય જોગવાઈઓને કરદાતાઓ આવકારશે એ નિઃશંક છે. આ સિવાય પણ જીએસટી સંબંધી કાયદામાં અન્ય મહત્ત્વના સુધારા પણ સૂચવવામાં આવ્યાં છે. હાલ એટલું કહેવું પર્યાપ્ત છે કે નાણાપ્રધાને અપેક્ષા મુજબ જીએસટી કાઉન્સિલે કરદાતાઓને રાહત કે રક્ષણ આપતાં જે અમુક નિર્ણયો લીધા હતા એને કાદયેસર અમલમાં મૂકતી કાયદાકીય જોગવાઈઓ અંદાજપત્ર અન્વયે રજૂ કરી છે. છોગામાં નવી `કરમાફી યોજના’ને પણ દાખલ કરીને કરદાતાઓને સાનંદાશ્ચર્યનો આંચોક આપ્યો છે.