નવી દિલ્હી- મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 5 જુલાઈએ રજૂ થશે. સરકારના બજેટ પર દરેક વર્ગ કે સંગઠનના લોકોને મોટી આશા છે. આ વચ્ચે ઉદ્યોગ ચેમ્બર એસોચેમ એ કેન્દ્ર સરકાર સમક્ષ બેજેટમાં સિનિયર સિટીઝન (વૃદ્ધો)ને રાહત આપવાની માગ કરી છે. એસોચેમની માગ છે કે, આગામી બજેટમાં વૃદ્ધો માટે 7.50 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમાંથી છૂટ આપવામાં આવે. આ સાથે જ 80 વર્ષથી વધુની ઉંમરના લોકોની 12.5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી રાખવાની માગ થઈ રહી છે.
એસોચેમે સરકારે વરિષ્ઠ નાગરિકોના વ્યાજની ચૂકવણી પર ટીડિએસ ન કાપવાનું પણ સૂચન કર્યું છે. ચેમ્બરે એમ પણ કહ્યું છે કે, સરકારને વૃદ્ધોની ઉંમર મર્યાદા 80 વર્ષથી ઘટાડીને 70 વર્ષ કરવી જોઈએ.
એસોચેમ અનુસાર વરિષ્ઠ નારગિકો પાસે તેમના સક્રિય જીવન દરમિયાન મસમોટી સામાજિક સુરક્ષા પેન્શન ફંડ રોકાણ સુવિધા નથી હોતી જેથી તે એકસાથે જમા કરેલી રકમના વ્યાજની આવક પર નિર્ભર રહે છે. એસોચેમનું કહેવું છે કે, ગત વર્ષ દરમિયાન વ્યાજ દરમાં મોટો ઘટાડો આવ્યો છે.
જેથી વરિષ્ઠ નાગરિકોને નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધોનો મેડિકલ ખર્ચ પણ ઘણો વધુ હોય છે, કારણ કે મેડિક્લેમ વીમા પોલિસીમાં કવર લોકોને એક કે બે ક્લેમ કર્યા પછી વીમા પ્રીમિયમ માટે મોટી રકમ ભરવી પડે છે. એસોચેમે કહ્યું કે, ભારતમાં 2011ની વસ્તીગણતરી મુજબ પુરૂષોનું સરેરાશ આયુષ્ય 67.3 વર્ષ અને મહિલાઓનું 69.6 વર્ષ છે. આમા સુધારો લાવવાની જરૂર છે. આગામી 5 જુલાઈએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.