– બિરેન વકીલ (કોમોડિટી એનાલિસ્ટ)
નાણાંમંત્રી નિર્મલા સિતારામનના બજેટમાં વૈશ્વિક પરિપેક્ષ્ય સાથે સ્થાનિક આર્થિક અને સામાજીક પાસાઓને પણ આવરી લેવાયા છે. કદાચ પ્રથમવાર ખરા અર્થમાં ગ્લોબલ વત્તા લોકલ એમ ‘ગ્લોકલ’ બજેટ આવ્યું છે. બજેટનો વ્યાપ ઘણો વધ્યો છે. આજે આપણે ‘બિગ ગવરમેન્ટ’ના યુગમાં જીવીએ છીએ. સામાજીક જવાબદારીઓ અને સમુચ્ચિત વિકાસને હાંસલ કરવા ખર્ચા વધારવા પડે. સરકારનું બાહ્ય દેવું જીડીપીના પાંચ ટકા જેવું નીચું છે. અત્યારે વિશ્વમાં દીર્ઘકાલિન નીચા વ્યાજદરો અને ૪૦ ટકા અર્થતંત્રોમાં તો નેગેટિવ વ્યાજદરો છે એ સંજોગોમાં સરકાર વૈશ્વિક બોન્ડ બજાર દ્વારા નાણાં મેળવવા સૌ પ્રથમવાર સોવરિન બોન્ડ ઇસ્યુ બહાર પાડશે એ આનંદની વાત છે.
વિખ્યાત ફ્રેન્ચ થોમસ પિકેટીએ આવકની અસમાન વહેચણી અંગે ચોંકાવનારા સર્વેક્ષણો દુનિયા સમક્ષ મૂક્યા પછી પાશ્ચાત્ય સરકારોનો સમાજવાદ તરફનો ઝૂકાવ વધ્યો છે. ‘મોદી ૨.૦’ બજેટમાં આ ઝૂકાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉડીને આંખે વળગે એવી બે વાત છે – સુપર રીચ અને સોનું.
બે કરોડથી વધુ આવક હોય એ લોકો એટલે કે સુપર રીચ લોકો પર હવે ૭ ટકા સરચાર્જ લાગશે. સોના પર આયાત જકાત બે ટકા વધારીને ૧૨ ટકા કરાઇ છે, ત્રણ ટકા વેટ ઉમેરતા કુલ વેરો ૧૫ ટકા થાય. સોનાની દાણચોરીને કેટલું પ્રોત્સાહન મળશે એ કહેવાની જરૂર નથી. ગોલ્ડ પોલિસી અંગે બજારને ખૂબ આતુરતા હતી પણ ભારોભાર નિરાશા મળી!
વૈશ્વિક પરિપેક્ષ્યમાં અને કલાયમેટ ચેન્જની અને સસ્ટેનેબિલિટીની સમસ્યા ઉકેલવા બજારનો ઉપયોગ કરવો અને એ માટે સોશ્યલ સ્ટોક એકસચેન્જ સ્થાપવું એ ખરેખર સુખદ વિસ્મય છે. ખૂબ પ્રગતિશિલ પગલું. ઇએસજી- એટલે કે એન્વાયર્નમેન્ટ, સસ્ટેનેબિલિટિ, અને ગવરનન્સ ક્ષેત્રમાં રોકાણ કરતા ઇમ્પેકટ ઇન્વેસ્ટર્સને ભારતમાં રોકાણ કરવા ખૂબ ઇચ્છા છે. સોશિયલ આંત્રપ્રિનિયોર્સને સસ્તા ધિરાણ અને વિપુલ તક માટે એક નવી દિશા ખૂલી ગઇ છે.
બેન્કિંગ અને નાણાંકિય ક્ષેત્રે નાના પણ પાયાના કેટલાયે સુધારા આવ્યા છે. અને એને સર્વાગી નજરથી જોઈએ તો ભારતીય બેન્કિંગ ધીમે ધીમે વૈશ્વિક બેન્કિંગ સાથે કદમ મિલાવતું જાય છે. એક કરોડથી વધારે રોકડ જમા કરવા પર બે ટકા સરચાર્જ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન માટે નાના કુદાનકારો અને એકમોને મર્ચન્ટ-ફીમાંથી મુક્તિ, કરદાતાઓ અને વેપારીઓ માટે અમુક અર્થમાં ઓટોમેટેડ સ્ક્રુટીની, ૪૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર ૨૫ ટકા ટેક્સ, એટલે કે ૯૯.૩ ટકા કંપનીઓ માટે ટેક્સ સ્લેબ થોડો ઘટશે.
શેરબજારો માટે કોઇ નોંધપાત્ર જાહેરાતો નથી. ગિફ્ટ સિટિમાં કામકાજ વધે એ માટે કેટલીક રાહતો અપાઇ છે પણ એ અંગે જમીની ચિત્ર ઘણું અલગ છે. કોમોડિટી વાયદા બજારો માટે કોઇ જાહેરાતો થઇ નથી. થઇ હોત તો એ મોટું વિસ્મય ગણાત.
આંતરમાળખા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, નાના અને મધ્યમ એકમો માટે રાહતદરે ધિરાણ અને નાના દુકાનદારો માટે પેન્શન યોજના. બજેટના સામાજીક પાસામાં થોમસ પિકેટી દેખાઇ આવે છે. જો કે આંતરમાળખા, સ્ટાર્ટ અપ માટે ઓલ્ટરનેટિવ ફંડ કેટેગરી એક અને બે, બન્નેને છૂટ આપવામાં પેટ્રોલ ડિઝલમાં સેશ અને વધારાની જકાત નાખીને આડકતરા નાણાં ઉભા કરવાના છે. ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના ભાગરૂપે ૧૦૦૦૦ એફપીઓ ઉભી કરાશે અને એનો એક કરોડ ખેડૂતોને લાભ મળશે.
ટૂંકમાં કહીએ તો બજેટમાં સમાજવાદી ખોળિયું અને મૂડીવાદનો આત્મા વસે એવું હાઇબ્રિડ બજેટ છે, પણ આવકની અસમાનતા ઘટાડવા તરફનો અને ઇન્કલુઝિવ ગ્રોથમાં સર્વને સાથે લઇને ચાલવાનો પ્રમાણિક પ્રયાસ છે.