મુંબઈઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આખરી તારીખ 31 જુલાઈ જતી રહી છે. હજી ઘણા લોકોએ એમનું આઈટી રિટર્ન ભર્યું નથી. એને કારણે આવકવેરા વિભાગ તરફથી એમને ફોન પર સંદેશ મળવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ આનો ગેરલાભ સાઈબર ગુનેગારો લઈ રહ્યા છે અને લોકોને એસએમએસ કરીને ફસાવી રહ્યા છે.
એક નકલી મેસેજ દ્વારા ઈન્કમ ટેક્સ રીફંડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અનેક કરદાતાઓને આવો ખોટો મેસેજ આવ્યો છે: ‘રૂ. 15,490નું ઈન્કમ ટેક્સ રીફંડ મેળવવા માટે તમે પાત્ર ઠર્યા છો. તમારો એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.’ આ મેસેજની સાથે આપવામાં આવેલી એક લિન્ક પર ક્લિક કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. કારણ કે તે લિન્ક પર ક્લિક કરવાથી ઈન્કમ ટેક્સની વેબસાઈટ જેવી જ દેખાતી ફેક વેબસાઈટ પર યૂઝર્સને રીડાઈરેક્ટ કરવામાં આવે છે. આ વેબસાઈટ પરથી સંબંધિત યૂઝરની અંગત માહિતી ચોરવામાં આવે છે. ‘તમને ઈન્કમ ટેક્સ રીફંડ તરીકે રૂ. 15,490 મળવાના છે. તમારા ખાતા પર થોડીક જ વારમાં આ પૈસા જમા થઈ જશે. તમે તમારા બેન્ક ખાતાના નંબર XXXXXX ને વેરીફાઈ કરો. જો આ એકાઉન્ટ નંબર ખોટો હોય તો તમે તમારી બેન્કના ખાતાનો નંબર નીચે આપેલી લિન્ક પર અપડેટ કરી શકો છો,’ એમ આ ખોટા એસએમએસ અથવા મેસેજમાં જણાવવામાં આવે છે.
સાવધાન રહેજો…
સાઈબર નિષ્ણાતોએ લોકોને આવા મેસેજથી સાવધ રહેવા જણાવ્યું છે. આવકવેરા વિભાગ તરફથી રીફંડ આપવાનું જણાવતો કોઈ પણ મેસેજ આવે તો માહિતી આપવી નહીં, એવી આવકવેરા વિભાગે પણ લોકોને અપીલ કરી છે. જો તમને એવો મેસેજ આવે કે શંકા જાય તો તરત જ તમારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કે આવકવેરા વિભાગના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને જાણ કરી દેવી. આવકવેરા વિભાગ તરફથી રીફંડ અંગે આ પ્રકારનો કોઈ મેસેજ મોકલવામાં આવતો નથી.
-તો શું કરવું?
ધારો કે સાઈબર ચોરો તમને ફસાવવામાં સફળ થાય તો તમારે તરત જ તમારી બેન્કનો સંપર્ક કરી તમારું ખાતું ફ્રિઝ કરાવી લેવું. સાથોસાથ, સાઈબર ક્રાઈમ સંબંધિત દેશવ્યાપી હેલ્પલાઈન નંબર – 1930 અથવા 155260 પર કોલ કરીને જાણકારી આપવી. ત્યારબાદ તમારે તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પ્રત્યક્ષ ફરિયાદ નોંધાવી દેવી. સાઈબર ચોરોના હાથમાં ફસાવાય નહીં એટલા માટે તમારે તમારો ઓનલાઈન બેન્ક એકાઉન્ટ પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ જરાય ક્રેક કરી ન શકે એવી રીતે સંભાળીને રાખવો. વળી, તે પાસવર્ડ વખતોવખત બદલતા રહેવું. ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર કર્યા બાદ એકાઉન્ટ પરથી લોગ-આઉટ કરવું. નામાંકિત ન હોય એવી કોઈ પણ વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટાળવું. તમે કોઈ સોદો કર્યો ન હોય તે છતાં જો તમને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ડેબિટનો મેસેજ આવે તો તરત જ તમારું કાર્ડ બ્લોક કરાવી દેવું. તમારી બેન્ક તરફથી આવતા ઓટીપી, કાર્ડ સંબંધિત CVC નંબર, આઈડી, પાસવર્ડ કોઈને પણ શેર કરવો નહીં. ખોટા સ્રોત તરફથી નાણાકીય સોદાઓ સંબંધિત એપ્સ ડાઉનલોડ કરવી નહીં.