મુંબઈઃ ભારતની બજારમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર સેગ્મેન્ટમાં ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનોને વધારે પસંદ કરવા લાગ્યા છે. ગ્રાહકોની પસંદને ધ્યાનમાં લઈને વધુ ને વધુ વાહન-ઉત્પાદક કંપનીઓ આ સેગ્મેન્ટમાં પોતાના નવા-નવા વાહનો રજૂ કરવાની તૈયારીમાં છે.
દેશની અગ્રગણ્ય ટુ-વ્હીલર કંપની બજાજ ઓટોએ બે નવી ઈલેક્ટ્રિક બાઈક ભારતની બજારમાં ઉતારવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. તેણે Fluor અને Fluir, એમ બે નામની બાઈક્સ રજિસ્ટર કરાવી છે. આ બંને બાઈક્સ કેવા પ્રકારની હશે એ વિશે કંપની તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એ ઈલેક્ટ્રિક હશે એવું કહેવાય છે. Fluor શબ્દનો અર્થ થાય છે સ્ત્રાવ. જ્યારે Fluir સ્પેનિશ શબ્દ છે અને તેનો અર્થ થાય છે સ્ટ્રીમ/ફ્લો અર્થાત વહેવું. બજાજ ઓટોએ ઈલેક્ટ્રિક વાહન તરીકે ગયા વર્ષે સ્થાનિક બજારમાં પોતાના બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું હતું. હાલ આ સ્કૂટર દેશના અમુક શહેરોમાં જ ઉપલબ્ધ છે.