મુંબઈ – ભારતીય રેલવે એક નવો નિયમ ઘડવા વિચારે છે. એરપોર્ટની જેમ હવે રેલવે મુસાફરોએ પણ એમની ટ્રેનના ઉપડવાના સમયની 15-20 મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચી જવું પડશે. સિક્યૂરિટી ચેક્સની પ્રક્રિયા પૂરી કરવા માટે રેલવે આવો નિયમ લાવવા માગે છે.
આ જ મહિનાથી શરૂ થતા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેક્નોલોજીવાળી આ સુરક્ષા યોજના અલાહાબાદ સ્ટેશને તેમજ કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશને તો અમલમાં મૂકી પણ દેવામાં આવી છે. વધુ 202 સ્ટેશનો ખાતે પણ આ પદ્ધતિ અમલમાં મૂકવા માટે રેલવે તંત્ર તૈયાર છે, એવું રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારનું કહેવું છે.
આ યોજનાનો હેતુ રેલવે સ્ટેશનોને સીલ કરી દેવાનો છે. મતલબ કે, ટ્રેન ઉપડવાને 20 મિનિટની વાર હશે ત્યારે તે પ્લેટફોર્મ સીલ કરી દેવામાં આવશે. તેથી જે મુસાફરો મોડા પડશે તેઓ ટ્રેન ચૂકી જશે. જે સ્ટેશનોની આસપાસ ખુલ્લી જગ્યા હશે ત્યાં કાયમી દીવાલ બાંધવામાં આવશે. અન્ય સ્ટેશનો ખાતે આરપીએફના જવાનો પહેરો ભરશે. અન્ય સ્ટેશનો ખાતે કોલેપ્સિબલ ગેટ્સ મૂકવામાં આવશે.
સ્ટેશનના દરેક એન્ટ્રી પોઈન્ટ ખાતે મુસાફરોની આડીઅવળી સિક્યુરિટી ચેક્સ વ્યવસ્થા હશે, એટલે કે સ્ટેશનમાં પ્રવેશતા દરેક આઠમા કે નવમા પ્રવાસીને અટકાવીને એનું ચેકિંગ કરાશે. જોકે આ બાબતમાં સાવ એરપોર્ટ જેવું નહીં હોય. એરપોર્ટની માફક રેલવે સ્ટેશનો પર મુસાફરો કલાકો વહેલું આવવાનું નહીં રહે, પરંતુ 15-20 મિનિટ તો વહેલું પહોંચી જ જવું પડશે, જેથી તેઓ સિક્યુરિટી ચેક્સ પ્રક્રિયાને કારણે મોડા ન પડે.
રેલવે સ્ટેશનો ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાશે, પરંતુ જવાનોની સંખ્યા એટલી જ રહેશે જેટલી અત્યારે છે, કારણ કે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો વ્યક્તિગત જવાનોની જરૂરિયાત ઘટી જશે.
ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ (ISS) અંતર્ગત એક સુરક્ષા યોજનાના ભાગરૂપે આ પગલાં ભરવામાં આવશે.
ISS યોજનામાં સીસીટીવી કેમેરા, એક્સેસ કન્ટ્રોલ હશે, મુસાફરની વ્યક્તિગત તેમજ એના સામાનનું સ્ક્રીનિંગ કરવાની પદ્ધતિ હશે, બોમ્બ ડીટેક્શનન તથા ડિસ્પોઝલ સિસ્ટમ પણ હશે. મુસાફર ટ્રેનમાં ચડે ત્યાં સુધી સ્ટેશન ઈમારતમાં એન્ટ્રી પોઈન્ટ પરથી જ મુસાફરો અને એમના સામાનનું મલ્ટિપલ ચેકિંગ કરાશે. ISS યોજના માટેનો અંદાજિત ખર્ચ રૂ. 385.06 કરોડ છે.