એપલે ભારતમાં છ અબજ ડોલરના iફોનનું વેચાણ કર્યું

નવી દિલ્હીઃ iફોન બનાવતી કંપની એપલે નાણાકીય વર્ષ 2023માં ભારતમાં છ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. આ કોઈ પણ એક નાણાકીય વર્ષમાં એપલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલું સૌથી વધુ વેચાણ છે. આ એપલનું ભારતના માર્કેટમાં વધતું મહત્ત્વ છે. એપલે હાલમાં જ મુંબઈમાં ઓફલાઇન સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ એપલની આવકમાં 50 ટકાનો ગ્રોથ નોંધાયો છે, કેમ કે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં 4.1 અબજ ડોલરનો ગ્રોથ નોંધાયો હતો. એપલ માર્ચ ત્રિમાસિકના ડેટા ચોથી માર્ચે જારી કરશે અને કંપનીએ આ ત્રિમાસિકમાં આવકમાં ઘટાડાના સંકેત આપ્યા છે.

કંપનીના ચેરમેન ટિમ કૂક આ સપ્તાહે ભારતમાં એપલના પહેલા સ્ટોરનું ઉદઘાટન કરશે. કંપનીને અપેક્ષા છે કે આ રિટેલ સ્ટોર દ્વારા કંપની 1.4 અબજની વસતિવાળા દેશમાં પોતાની હાજરીને મજબૂત કરી શકશે. દેશના સ્માર્ટફોન અને કોમ્પ્યુટર માર્કેટમાં એપલનો બજારહિસ્સો ઘણો ઓછો છે, કેમ કે એનાં ઉત્પાદનોની કિંમત નોંધપાત્ર મોંઘી હોય છે.

એપલ અત્યાર સુધી ભારતમાં વેચાણ માટે રિટેલ ભાગીદાર અને ઓનલાઇન વેચાણ પર નિર્ભર હતી. કંપનીએ વર્ષ 2020માં પહેલો ઓનલાઇન સ્ટોર ખોલ્યો હતો. કંપનીને આનાથી વેચાણમાં ભારે ઉછાળાની અપેક્ષા છે. કોરોના રોગચાળામાં ભારતમાં કંપનીના વેચાણમાં વધારો થયો છે. લોકોએ ઘરોથી શિક્ષણ અને કામ કરવા માટે કંપનીના iફોન અને iપેડની ધૂમ ખરીદી કરી હતી. ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. દેશમાં આશરે 70 કરોડ સ્માર્ટફોન વપરાશકારો છે. જોકે એપલની પાસે ભારતમાં ચાર ટકા બજારહિસ્સો છે.