નવી દિલ્હીઃ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. કેનરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા છે. કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ ઇસ્યુ કરી છે અને તેના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કર્યાં છે.
કેનેરા બેંકે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની સહાયક કંપનીઓનાં લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યાં છે. આમ કરનાર આ ચોથી બેંક છે. આ અગાઉ ડિસેમ્બર, 2020માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે કંપનીનાં ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યાં હતાં.
શું છે મામલો?
કેનેરા બેંકે 28 ઓક્ટોબરે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ જારી કરીને કંપની પાસે વર્ષ 2017માં રૂ.1050 કરોડની લોન આપી હતી, એની ઉઘરાણી કરી છે. બેન્કે હવે એને NPA જારી કરી છે. આરકોમે માત્ર રિ-પેમેન્ટમાં ડિફોલ્ટ જ નથી કર્યું, પરંતુ મંજૂરીની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ઓડિટ મુજબ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની પેટાકંપનીઓ – રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલે વિવિધ બેંકો પાસેથી સામૂહિક રીતે રૂપિયા 31,580 કરોડની લોન લીધી હતી.
માર્ચ 2017માં કંપનીએ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી હતી અને લોનની સાથે ગેરંટી પત્રો પણ સામેલ કર્યા હતા, જે બેંકની લોનની ચુકવણીના નિયમો અને શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. બેંકે આરકોમ અને નકલી દેવાદારોનાં નાણાં માફ કરવા અને વેચાણ ઈનવોઈસ ફંડિંગનો દુરુપયોગ કરવા માટે પણ દોષિત ઠેરવ્યા છે.