આણંદ– લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ૩૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ પૂરાં થતાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૩૩,૧૫૦ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં ૧૩% વધારે છે.
વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૮,૦૦૫ કરોડના ટર્નઓવરથી વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં ચાર ગણાંથી વધુ એટલે કે રૂ.૩૩,૧૫૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કરેલ છે. ગુજરાતના ડેરી સંગઠનોની રાજ્યની એપેક્ષ સંસ્થાની તારીખ ૨૮ મે, ૨૦૧૯ના રોજ યોજાયેલી ૪૫મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યા હતાં.
હકીકતમાં, જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂ. ૪૫,૦૦૦ કરોડ અથવા તો ૬.૫ અબજ યુએસ ડોલરનો આંક વટાવી ગયું છે. જીસીએમએમએફનો ઉદ્દેશ રૂ. ૫૦,૦૦૦ કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવીને વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ભારતની સૌથી મોટી એફએમસીજી (FMCG) સંસ્થા બનવાનું છે. અમૂલ પોતાને વિશ્વના 9માં ક્રમના ડેરી સંગઠનથી આગળ વધીને લાંબાગાળે વિશ્વની ટોચની ત્રણ સંસ્થાઓમાં અને તે પછી વિશ્વના સૌથી મોટા ડેરી સંગઠન તરીકે સુસ્થાપિત કરવા માગે છે.
જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે “વિતેલા ૯ વર્ષ દરમ્યાન અમારા દૂધના એકત્રીકરણમાં ૧૫૩ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. આ પ્રચંડ વૃદ્ધિ અમારા ખેડૂત સભ્યોને આ ગાળા દરમ્યાન ૧૦૫ ટકા જેટલા દૂધના ઊંચા ભાવ આપવાના કારણે શક્ય બની છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “શહેરીકરણ અને વસતિ વૃદ્ધિના અંદાજોને ધ્યાનમાં લેતાં એવું માનવામાં આવે છે કે હાલમાં ભારતને વાર્ષિક ૧૭૬ મિલિયન મેટ્રિક ટન (દૈનિક ૪૮ કરોડ લીટર) દૂધની જરૂર છે, જે વર્ષ ૨૦૫૦-૫૧ દરમિયાન વધીને વાર્ષિક ૬૦૦ મિલિયન મેટ્રિક ટન (દૈનિક 65 કરોડ લીટર) જેટલા દૂધ અને દૂધની પ્રોડક્ટસની જરૂરિયાત ઉભી થશે. આનો અર્થ એ થયો કે આગામી ૪૦ વર્ષોમાં ભારતે એકંદર વાર્ષિક ૩.૨ ટકાના સંગૃહિત વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી દૂધનું ઉત્પાદન વધારવાની જરૂર છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે ડેરી ક્ષેત્રના ખેડૂતોને બજાર સાથે યોગ્ય જોડાણ કરીને સ્થિર અને પોષણક્ષમ કિંમતોથી વળતર આપી શકાય. આટલો અપેક્ષિત દૂધના જથ્થામાં વધારો પ્રાપ્ત કરવા માટે ભારતમાં હવે બીજી શ્વેતક્રાંતિનો સમય પાકી ગયો છે.
જીસીએમએમએફના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે “છેલ્લા ૨૧ વર્ષમાં ભારત દુનિયાના દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે અને જયારે વિશ્વમાં ૨ ટકાના સંગૃહીત વાર્ષિક વૃદ્ધિ દરે દૂધ ઉત્પાદનમાં વૃધ્ધિ થઇ રહી છે તેની સામે ભારતમાં છેલ્લા ૩ થી ૪ વર્ષમાં ૫.૫ ટકાના સંગૃહીત વાર્ષિક વૃદ્ધિ દરે દૂધ ઉત્પાદન થઇ રહેલ છે. ભારત વિશ્વમાં દૂધની ઉત્પાદન વૃદ્ધિમાં લગભગ ૫૦ ટકા પ્રદાન કરે છે. ભારતમાં ઉત્પાદન થતા દૂધની કિંમત આશરે રૂ. ૭ લાખ કરોડ જેટલી થાય છે, જે આપણાં અનાજ-કઠોળ ભેગા મળીને થતાં ઉત્પાદનના કુલ મૂલ્ય કરતાં વધારે છે.”
જીસીએમએમએફના મેનેજીંગ ડિરેક્ટર આર.એસ. સોઢી જણાવે છે કે “છેલ્લા ૫ થી ૬ વર્ષમાં કન્ઝ્યુમર પ્રોડક્ટસમાં બે આંકડાના વૃદ્ધિદર થકી આપણે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા એફએમસીજી (FMCG) સંસ્થાનું ધરાવીએ છીએ. અમૂલની સફળતામાં 3E નો મંત્ર મહત્વનો બન્યો છે, જેમાં- દૂધના એકત્રીકરણમાં ઝડપી વિસ્તરણ, ઉત્પાદન સુવિધાઓનું ઝડપી વિસ્તરણ અને માર્કેટીંગ તથા વિસ્તરણ નેટવર્કમાં ઝડપી વિસ્તરણનો સમાવેશ થાય છે.” તેમણે વધુમા જણાવ્યું હતું કે અમે દૈનિક ૩૬૦ લાખ લીટરની મિલ્ક પ્રોસેસીંગ ક્ષમતા વટાવી ચૂક્યા છીએ અને આગામી બે વર્ષમાં દૈનિક ૪૦૦ લાખ લીટરની ક્ષમતા માટે આયોજન કરી રહ્યા છીએ. ગુજરાતમાં ગાંધીનગર ખાતે અમૂલફેડ ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લીટરથી વિસ્તારીને દૈનિક ૫૦ લાખ લીટર કરી દીધેલ છે અને આમ કરવાથી અમૂલ ફેડ ડેરી, ગાંધીનગર દ્વારા ભારતની સૌથી મોટી ડેરી તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખેલ છે. છેલ્લા થોડા વર્ષમાં ભારતના વિવિધ ભાગોમાં કેટલાક તદ્દન નવા ડેરી પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જેમાં ૮ લાખ લીટરની ક્ષમતાના બે પ્લાન્ટ એટલે કે તળોજા, નવી મુંબઈ ખાતે એક અને બીજો અમદાવાદ નજીક નવાપુરા ખાતે દૈનિક ૮ લાખ લીટરની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદરમાં ૨ લાખ લીટરની ક્ષમતાના બે અન્ય પ્લાન્ટસનો સમાવેશ થાય છે. અમે હિંમતનગરમાં દૂધના પાવડરની ક્ષમતા પણ વિસ્તારી રહ્યાં છીએ. અમારી નવી ચોકલેટ ફેક્ટરીમાં ઉત્પાદન ક્ષમતા દર મહિને ૧૩૦૦ મે.ટન સુધી પહોંચી છે, જેના કારણે અમે કેટલીક નવી અને અનોખી ફ્લેવર ધરાવતી ચોકલેટ રજૂ કરી શક્યા છીએ.