લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ, ઈંધણના ભાવ વધવાનું શરૂ

નવી દિલ્હી – લોકસભાની ચૂંટણીનો સાતમો અને આખરી તબક્કો પૂરો થયો કે તરત જ દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હતું. છેલ્લા નવ દિવસોમાં ઈંધણમાં પ્રતિ લીટર 70-80 પૈસા વધી ગયા છે.

ગઈ 20 મેથી ભાવમાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા 9 દિવસોમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 83 પૈસા અને ડિઝલમાં 73 પૈસા વધી ગયા છે.

કિંમત વિશેના નોટિફિકેશન્સ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જ બહાર પાડ્યા છે.

આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 11 પૈસા અને ડિઝલમાં પાંચ પૈસા વધી ગયા છે.

મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 77.47ના ભાવે મળે છે અને ડિઝલ રૂ. 69.88ના ભાવે.

કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ રીટેલર કંપનીઓ – ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે લોકસભાની ચૂંટણી દરમિયાન ઈંધણનો ભાવવધારો સ્થગિત કર્યો હતો અને હવે તે રિલીઝ કરી રહી છે.