આઈકિયા, H&M જેવા રીટેલ સ્ટોર્સમાંથી પણ પેટ્રોલ, ડિઝલ ખરીદવાની સુવિધા મળશે

મુંબઈ – ભારતમાં ગ્રાહકોને ટૂંક સમયમાં જ Ikea, H&M કે અન્ય જનરલ રીટેલ સ્ટોર્સમાંથી પણ પેટ્રોલ અને ડિઝલ ખરીદવાની સુવિધા પ્રાપ્ત થાય એવી શક્યતા છે. આઈકિયા હોમ ફર્નિશિંગ બિઝનેસની જાણીતી કંપની છે, જ્યારે H&M (હેનીઝ એન્ડ મોરિટ્ઝ) આંતરરાષ્ટ્રીય સ્તરની ફેશન રીટેલર કંપની છે.

ગઈ 1 એપ્રિલના દિવસ સુધીમાં ભારતમાં, 64,624 ફ્યુઅલ રીટેલ આઉટલેટ્સ નોંધાઈ હતી. એમાંની 57,944 કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓની છે, 6,673 આઉટલેટ્સ રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ, ન્યારા એનર્જી, શેલ ઈન્ડિયા જેવા ખાનગી ઓપરેટર્સની છે.

ઓઈલ કંપનીઓ ઉપરાંત અન્ય ક્ષેત્રોની કંપનીઓને પણ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ વેચવાની પરવાનગી આપવી જોઈએ એવા એક પ્રસ્તાવ ઉપર કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જાહેર જનતા પાસેથી કમેન્ટ્સ મગાવી છે. જોકે આવી પરવાનગી આપવામાં મિનિમમ નેટ વર્થ નિયમના પાલનની શરત હોવી જોઈએ.

અગાઉ એવી શરત રાખવાનું સૂચન કરાયું હતું ભારતમાં ઈંધણની રીટેલ આઉટલેટ્સ શરૂ કરવાની કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (જેટ ફ્યુઅલ) વેચવાની પરવાનગી માત્ર એવી ખાનગી કંપનીઓને જ આપવી જોઈએ જેમની રૂ. 2000 કરોડના ઈન્વેસ્ટમેન્ટવાળી પોતાની કંપની હોય અને રીફાઈનરીઝ ઓપરેટ કરતી હોય અથવા વાર્ષિક સ્તરે જેઓ ઓછામાં ઓછા 3 કરોડ ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતી હોય. પરંતુ, એક એક્સપર્ટ કમિટીએ સરકારને સુપરત કરેલા અહેવાલમાં એવું સૂચવ્યું હતું કે આ શરતને પડતી મૂકવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઓટો ફ્યુઅલના ભાવ નિયંત્રણ-મુક્ત કરી દીધા છે. તે છતાં ફ્યુઅલ રીટેલ આઉટલેટ્સ શરૂ કરવામાં ભારતીય કે વિદેશી ખાનગી ઓઈલ કંપનીઓએ ઓછો રસ બતાવ્યો છે એટલે ઓઈલ સેક્ટર સિવાયની કંપનીઓને પણ આવી પરવાનગી આપવી જોઈએ એવી હિલચાલ શરૂ થઈ છે.

અમેરિકા, બ્રિટન તથા યુરોપના અન્ય દેશોમાં સરકારોએ ઓઈલ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રોની કંપનીઓને પણ ફ્યુઅલ રીટેલ આઉટલેટ્સ શરૂ કરવાની પરવાનગી આપવાનું ક્યારનું શરૂ કરી દીધું છે.

ભારતમાં, ટોરેન્ટ, ટોટલ અને ટ્રેફિગ્યુરા જેવી કંપનીઓએ ફ્યુઅલ રીટેલ આઉટલેટ્સ શરૂ કરવામાં રસ બતાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]