મુંબઈઃ દેશની બે અગ્રગણ્ય ટેલિકોમ કંપની – રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે પોતપોતાના યુઝર્સને કમિશન આપવાની એક સુવિધા કરી આપી છે. આ સુવિધા અંતર્ગત, જે લોકો બીજા પ્રીપેઈડ યુઝર્સના ફોન માટે રિચાર્જ પેમેન્ટ કરી આપશે એમને તરત જ કેશબેક આપવામાં આવશે.
પ્રત્યેક સફળ રિચાર્જ ઉપર આ ઓફર લાગુ થશે.
એરટેલે કહ્યું છે કે એણે તેના એરટેલ થેંક્સ એપ પર ‘એરટેલ સુપરહીરો’ ફીચર શરૂ કર્યું છે જે તેના યુઝર્સને ‘સુપરહીરો’ તરીકે એનરોલ કરશે.
આ એનરોલ થયેલા યુઝર્સ બાદમાં અન્ય એરટેલ નંબરો માટે રિચાર્જ કરી શકશે અને પ્રત્યેક રિચાર્જ ઉપર એમનું કમિશન મેળવી શકશે.
આ સુપરહીરો એમની પસંદગીના ઉપલબ્ધ પેક્સ સાથેના એરટેલ નંબરનું રિચાર્જ કરી શકે છે.
એરટેલે કહ્યું છે કે ચેકઆઉટના સમયગાળા દરમિયાન પેમેન્ટના વિકલ્પ તરીકે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂપીઆઈ, નેટ બેન્કિંગ, એરટેલ પેમેન્ટ્સ બેન્ક, ઈ-વોલેટ માન્ય રાખશે.
તે છતાં પેમેન્ટ ચેકઆઉટ દરમિયાન જે રકમ કપાય તે મૂળ MRP કરતાં 4 ટકા ઓછી હશે.
રિલાયન્સ જિયોએ જિયોPOS લાઈટ એપ રિલીઝ કરી છે જે અંતર્ગત તેના યુઝર્સ અતિરિક્ત લાભો મેળવવા માટે જિયો પાર્ટનર્સ બની શકશે.
યુઝર જિયોPOS એપ પર સાઈન-અપ કરે એ પછી તેઓ એમાં પૈસા ઉમેરી શકશે અને બીજા જિયો યુઝર્સ માટે ઈ-વોલેટ મની મારફત રિચાર્જ કરી શકશે.
આ એપ દ્વારા યુઝર્સ એક ડેડિકેટેડ વિભાગ મારફત પોતાની દૈનિક કમાણીનો આંકડો જોઈ શકશે.
વધુમાં, આ એપ માટેની સાઈન-અપ પ્રક્રિયા દરમિયાન કોઈ અતિરિક્ત દસ્તાવેજો પણ માગવામાં આવશે નહીં.