મહિનાઓ પછી જેક મા ફરી જાહેરમાં આવ્યા

બીજિંગઃ અલીબાબા બિઝનેસ ગ્રુપના સ્થાપક અને ચીનના ટોચના શ્રીમંત જેક માએ જાહેરમાં ફરી દેખા દઈને પોતાના ગાયબ થવા વિશેની અનેક અટકળોનો અંત લાવી દીધો છે. ચીનના શાસકોની જાહેરમાં ટીકા કર્યા બાદ દેશની રેગ્યુલેટર એજન્સીઓ દ્વારા જેક માની કંપનીઓની પ્રવૃત્તિઓ વિશે તપાસ શરૂ કરાયા બાદ જેક મા અમુક મહિનાઓથી ગાયબ થઈ ગયા હતા.

જેક માનો એક વિડિયો ચાઈનીઝ સોશિયલ મિડિયામાં જોવા મળ્યા બાદ જાહેરમાં એમની ફરી ઉપસ્થિતિના સમાચાર આવ્યા છે. તે વિડિયોમાં, જેક મા એમના એક ચેરિટી ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના ભાગરૂપે ગ્રામિણ શિક્ષકોને સંબોધિત કરતા જોવા મળ્યા છે. ગ્રામિણ શિક્ષકોની સિદ્ધિઓ બિરદાવવા માટે જેક માનું ફાઉન્ડેશન દર વર્ષે કાયક્રમ યોજે છે. મા પોતે એક ભૂતપૂર્વ અંગ્રેજી શિક્ષક છે અને હવે ચાઈનીઝ ઈ-કોમર્સ ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બન્યા છે.