વડોદરા – ભારતીય ટીમના બે ક્રિકેટર – હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય કે કરણ જોહર સંચાલિત ટીવી શો ‘કોફી વિથ કરન’માં પોતે કરેલા સાહજિક નિવેદનોથી આટલો મોટો વિવાદ સર્જાશે અને મામલો એમના સસ્પેન્શન સુધી જશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બંને ક્રિકેટરને ગેરવર્તનના કારણસર સસ્પેન્ડ કરી દીધા છે. પણ વાત આટલેથી અટકી નથી, ઓલરાઉન્ડર પંડ્યાને ક્રિકેટ ઉપરાંતની આવકમાં મોટો ફટકો પડે એમ છે.
કહેવાય છે કે પંડ્યા સાથે એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ કરનાર જિલેટ બ્રાન્ડે વિવાદાસ્પદ ટીવી ચેટ શો એપિસોડને પગલે પંડ્યા સાથેનો કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દીધો છે. આને કારણે પંડ્યાને અંદાજે બે કરોડ રૂપિયાની ખોટ જાય એમ છે.
પંડ્યાએ કોફી વિથ કરન એપિસોડમાં હાજર થઈને મહિલાઓ વિરુદ્ધ અણછાજતી કમેન્ટ કરી હતી, જેને કારણે સમાજમાં ઉહાપોહ મચી ગયો છે.
પંડ્યાને ચમકાવતી બ્રાન્ડની વેલ્યૂ ઘણી ઉંચે ગઈ છે. જિલેટ ઉપરાંત બીજી ઘણી કંપનીઓની બ્રાન્ડને પણ ફાયદો થયો છે. બીજી કેટલીક કંપનીઓ પણ પંડ્યાને સાઈન કરવા માટે લાઈનમાં ઊભી હતી. પરંતુ હવે એ બધી કંપનીઓ ભાગી ગઈ છે. હાલ પંડ્યા છ બ્રાન્ડનો ફેસ બન્યો છે અને બીજી છ બ્રાન્ડ એને સાઈન કરવા માટે તૈયાર હતી.
લોકેશ રાહુલની પણ આવી જ હાલત છે. એણે એક સ્પોર્ટ્સ બ્રાન્ડ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. પરંતુ કોફી વિથ કરનમાં હાજર થઈને એમણે આબરુનો ફજેતો કરી દેતાં આ બ્રાન્ડ હવે એની જગ્યાએ કોઈક અન્યને પસંદ કરવા વિચારે છે.
પંડ્યા અને રાહુલને બદનામ કરનાર ચેટ શોનો વિવાદાસ્પદ એપિસોડ સ્ટાર વર્લ્ડ ચેનલે તેના તમામ પ્લેટફાર્મ પરથી હટાવી લીધો છે. એટલું જ નહીં, ચેનલે ‘કોફી વિથ કરન’ના તેના નવા એપિસોડના આરંભમાં લખાણ મૂક્યું છે જેમાં લખ્યું છે કે ક્રિકેટરોએ કરેલી કમેન્ટ્સ બદલ એ માફી માગે છે.