63 મૂન્સ ટેક્નોલોજીસ ‘સેબી’ના આદેશને પડકારશે

મુંબઈઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ સિક્યોરિટીઝ માર્કેટમાં એસટીપી ગેટ સર્વિસીસ પૂરી પાડવા માટેની મંજૂરી નકારનારા સેબીના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. સેબીનો આદેશ આશ્ચર્ય સર્જનારો છે અને તેનાથી બજારનું કામકાજ ખોરવાઈ શકે છે. માર્કેટની નિયમનકાર સંસ્થા આવો આદેશ આપે એ બાબત માનવામાં આવે એવી નથી, એવું કંપનીનું કહેવું છે.

કંપનીએ જણાવ્યા મુજબ સેબીએ ત્રીજી ડિસેમ્બરના રોજ બહાર પાડેલો આદેશ એસટીપી ગેટ સર્વિસ બાબતે છે. ગ્રુપની અન્ય ટેક્નોલોજી સર્વિસીસ સાથે તેનો કોઈ સંબંધ નથી. જો કે, એસટીપી ગેટ સર્વિસીસનો બજારહિસ્સો 97 ટકા છે. આવા સંજોગોમાં સેબીના આદેશ પાછળનો આશય સમજાય એવો નથી.

નોંધનીય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાનું ‘નાઉ’ ટ્રેડિંગ પ્લેટફોર્મ બંધ કરવાનું જાહેર કર્યું તેને પગલે સિક્યોરિટીઝ માર્કેટમાં 63 મૂન્સની ઓડિન સર્વિસીસ અગ્રણી સોલ્યુશન બની છે.

63 મૂન્સે જણાવ્યા મુજબ સેબીએ સાત વર્ષ અગાઉના ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ‘ફિટ એન્ડ પ્રોપર’ આદેશના આધારે ઉક્ત આદેશ બહાર પાડ્યો છે. વાસ્તવમાં ફિટ એન્ડ પ્રોપરનો આદેશ કંપનીને કોઈ પણ એક્સચેન્જમાં ઈક્વિટી હિસ્સો નહીં રાખવા દેવા માટેનો હતો. કંપનીએ ટેક્નોલોજી સર્વિસીસ પૂરી પાડવી કે નહીં એની સાથે એનો કોઈ સંબંધ નથી. એફએમસીના આદેશને કંપનીએ અદાલતમાં પડકાર્યો છે અને એનો કેસ હજી ચાલી રહ્યો છે. સાત વર્ષ બાદ સેબીએ બહાર પાડેલો આદેશ બજારના કામકાજને ખોરવી નાખશે. નિયમનકાર તરીકે સેબીનું કર્તવ્ય બજારની સ્થિરતા ટકાવી રાખવાનું અને તેનો વિકાસ કરવાનું છે. આથી તેણે પોતાના ઉદ્દેશ્યથી વિપરીત ચુકાદો આપ્યો છે.

63 મૂન્સનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે પ્રોફેશનલ છે અને તેમાં ખ્યાતનામ વહીવટદારો, ન્યાયમૂર્તિઓ, બેન્કરો, વગેરે સામેલ છે. પ્રમોટર અનુચિત વગ ધરાવતા હોવાનો સેબીનો આક્ષેપ પાયાવિહોણો છે, એવું કહેતાં કંપનીએ ઉમેર્યું છે કે તેને ન્યાયતંત્રમાં અડગ વિશ્વાસ છે. સેબીના આદેશની સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે.

દરમિયાન, કંપનીના બ્રોકરેજ ટેક્નોલોજી સોલ્યુશન્સના સીઈઓ કેશવ સામંત અને એક્સચેન્જ ટેક્નોલોજીના વડા મહેમૂદ વાઇદે જણાવ્યું છે કે સેબીના આદેશની કોઈ અસર ઓડિન અને એક્સચેન્જ ટેક્નોલોજી પર થઈ નથી. કંપનીની કુલ આવકમાં એસટીપી ગેટ સર્વિસીસની આવકનો હિસ્સો ફક્ત 1.56 ટકા છે.