મુંબઈ: RBI ની તાજેતરની માહિતી પ્રમાણે, વિદેશમાં ફરવા માટે અને આઇવી લીગ સ્કૂલ્સમાં ભણતાં બાળકોના શિક્ષણ માટે ભારતીયો દ્વારા વધુ ને વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આગામી એકેડેમિક સીઝન શરૂ થવાની હોવાથી મે મહિનામાં વિદેશમાં થતો ખર્ચ વાર્ષિક ધોરણે 60 ટકાથી પણ વધુ વધ્યો હતો.
LRS હેઠળ વિદેશ પ્રવાસ પાછળ થતો ખર્ચ મે મહિનામાં 56 ટકા વધીને 56.8 કરોડ ડોલર થયો હતો જ્યારે શિક્ષણ પાછળ થતો ખર્ચ 88 ટકા વધીને 33.4 કરોડ ડોલર અને નજીકના સંબંધીઓની જાળવણી માટે થતો ખર્ચ 21 ટકા વધીને 30 કરોડ ડોલર થયો હતો એવી માહિતી RBI દ્વારા તેના માસિક બુલિટેનમાં આપવામાં આવેલી માહિતી પરથી જાણવા મળે છે.
આ ત્રણ ક્ષેત્રે થયેલા ખર્ચનો હિસ્સો LRS હેઠળ થયેલા 1.5 અબજ ડોલરના 80 ટકા છે. આ સ્કીમ હેઠળ રેસિડન્ટ ભારતીયોને ચોક્કસ કરન્ટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ ખર્ચ માટે વિદેશમાં વર્ષે અઢી લાખ ડોલર સુધીનો ખર્ચ કરવાની છૂટ છે.
આ ખર્ચમાં વિદેશમાં પ્રવાસ, શિક્ષણ અને નજીકના સંબંધીઓની જાળવણી માટેનો ખર્ચ તેમજ પરિવાર અને મિત્રોને વિદેશમાં ભેટસોગાદો તેમજ તબીબી ખર્ચનો સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ વર્ષથી LRS હેઠળ રેમિટન્સિસમાં સતત વધારો થયો છે કારણ કે, RBIએ ઓવરસીઝ ટ્રાવેલ અને એજ્યુકેશન ખર્ચામાં ઘણા બધા વ્યવહારોને સમાવી લીધા છે.
નાણાકીય વર્ષ 2015-’16માં LRS હેઠળ થયેલો ખર્ચ 4.6 અબજ ડોલરથી વધીને 2018-’19માં 413.8 અબજ ડોલર થયો હતો. ટ્રાવેલ ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે કે, ભારતીયો પહેલાં કરતાં હવે ફોરેનમાં પ્રવાસ પાછળ ઘણો વધારે ખર્ચ કરે છે. ટ્રાવેલ એજન્સીઓ દ્વારા પેમેન્ટ માટે આપવામાં આવતા વિવિધ વિકલ્પો તેમજ બેન્કમાંથી પ્રવાસ માટે પર્સનલ લોન મળતી હોવાથી પણ આ ખર્ચ વધ્યો છે.