નવી દિલ્હી– છેલ્લા એક દાયકામાં ભારત સંપત્તિ બનાવવાની દ્રષ્ટિએ વિશ્વના મુખ્ય દેશોમાં સામેલ રહ્યો છે. પરંતુ આ માત્ર અડધી કહાની છે. કેટલાક ધનકુબેરો ભારત છોડીને બીજા દેશો તરફ ભાગી રહ્યાં છે. માત્ર વર્ષ 2018ની જ જો વાત કરીએ તો 5 હજાર ધનવાનોએ ભારત છોડી દીધું છે.
જો કે ભારત આ મામલે અપવાદ નથી. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘણાં દેશોના અમીર લોકોએ તેમનો દેશ છોડવાની પ્રવૃતિ જોવા મળી છે. આ મામલે ચીન પ્રથમ નંબર પર છે. છેલ્લાં વર્ષે અંદાજે 15 હજાર ધનકુબેરો ચીન છોડીને જતા રહ્યાં છે. ત્યાર બાદ રશિયા, ભારત, યુકે, ફ્રાંસ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનો નંબર આવે છે.
ધનકુબેરો માટે જન્નત છે ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે, જ્યાં સૌથી વધુ લોકો વસવાટ કરવા ઈચ્છે છે. વિશ્વભરમાંથી અંદાજે 12 હજાર ઘનકુબેરો તેમનો દેશ છોડીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયાં છે. ત્યાર બાદ ઘનકુબેરોની પસંદમાં અમેરિકા, કેનેડા, કેરેબિયન,ગ્રીસ અને સ્પેનનો નંબર આવે છે. આ દરમિયાન અંદાજે 10 હજાર લોકો અમેરિકા અને 4000 લોકો કેનેડાની નાગરિકતા મેળવી છે.
છેલ્લા 10 વર્ષમાં ચીન નાણાં બનાવવા મામલે નંબર વન દેશ રહ્યો છે. નાણાં બનાવવા (વેલ્થ ક્રિએશન)માં ભારત ચોથા નંબર પર છે, જ્યારે મોરીશસ અને ઈથોપિયા ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં છે. આ દરમિયાન ઈટલી અને વેનેઝુએલામાં વેલ્થ ક્રિએશનોની સંખ્યા ક્રમશ: 14 ટકા અને 68 ટકા રહી.
ભારતમાં ધનની અસમાનતા પણ સૌથી વધુ
જો કે, ચિંતાની વાત એ છે કે, ભારત ભલે ઘનકુબેરો બનાવનાર ટોપ 5 દેશોમાં સામેલ હોય, પરંતુ અહીં ધનની અસમાનતા સૌથી વધુ છે. અહીં 48 ટકા ધન દેશના અમુક ટકા ધનકુબેરો પાસે છે, જ્યારે અન્ય લોકો વચ્ચે 52 ટકા ધન છે. વૈશ્વિક સ્તર પર આ સરેરાશ 26 ટકા છે.