2022ની સરખામણીમાં 2023માં 15% વધારે કર્મચારીઓએ નોકરી ગુમાવી

મુંબઈઃ ભારતમાં સ્ટાર્ટ-અપ કે ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનું પ્રમાણ વર્ષ 2022ની સરખામણીમાં 2023માં 15 ટકા વધારે રહ્યું હતું. Layoffs.fyi વેબસાઈટ તરફથી મળેલી માહિતી મુજબ, આખા વર્ષમાં અંદાજે કુલ 16,000થી વધારે લોકોએ નોકરી ગુમાવી છે. આ વેબસાઈટે મીડિયા અહેવાલોના આધારે ડેટા તૈયાર કરી છે. ડેટા પરથી કહી શકાય કે સદ્ધર થઈ ગયેલી ટેક્નોલોજી કંપનીઓ કરતાં સ્ટાર્ટ-અપ કંપનીઓમાં છટણીનું પ્રમાણ વધારે હતું.

કર્મચારીઓની છટણીમાં બેંગલુરુ પહેલા નંબરે રહ્યું. આ શહેરને ભારતનું ટેક્નોલોજી પાટનગર કહેવામાં આવે છે. તે પછીના ક્રમે ગુરુગ્રામ, મુંબઈ અને નોઈડા આવે છે. દરરોજ સરેરાશ ઓછામાં ઓછા 45 જણે નોકરી ગુમાવી હતી. આ આંકડો વર્ષ 2022ની સરખામણીમાં 15.3 ટકા વધારે છે. ગયા વર્ષે આ આંકડો 14,224 હતો. Tracxn. In વેબસાઈટની માહિતી અનુસાર, વર્ષ 2023માં સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડ મેળવવામાં મુશ્કેલી પડી હતી. આ વર્ષે તેમને કુલ અંદાજે 8.1 અબજ ડોલર જેટલું ફંડ મળ્યું હતું જ્યારે 2022માં આ આંકડો 25.9 અબજ ડોલર હતો. હાલમાં જ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક) કંપની પેટીએમ એ 1,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ સેક્ટરમાં 2023માં 2,141 કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. એજ્યૂકેશન ટેક્નોલોજી સેક્ટરમાં આશરે 4,700 લોકોએ નોકરી ગુમાવી છે. તે પછીના ક્રમે ફૂડ (2,765), ફાઈનાન્સ (2,141), રીટેલ (1,772), કન્ઝ્યૂમર (1,488), હેલ્થકેર (991) આવે છે.

વિશ્વસ્તરે 2,61,847 લોકોએ નોકરી ગુમાવી છે. આમાં લગભગ 70 ટકા લોકોએ અમેરિકામાં નોકરી ગુમાવી છે. તે પછીના નંબરે ભારત, જર્મની, સ્વીડન અને બ્રિટન આવે છે.