નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23માં કુલ નિકાસ વધીને 770 અબજ ડોલરે પહોંચી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા વાર્ષિક લક્ષ્યને પાર કરી લીધો છે, એમ વેપાર સેક્રેટરી સુનીલ બર્થવાલે આ માહિતી આપી હતી. તેમણે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે FY23નું નિકાસલક્ષ્ય 750 અબજ ડોલર હતું. સરકારના નક્કી કરવામાં આવેલા લક્ષ્યથી 20 અબજ ડોલર વધુ નિકાસ થઈ છે. આ પહેલાં FY22માં કુલ 676 અબજ ડોલરની નિકાસ નોંધાઈ હતી. આ પ્રકારે નિકાસમાં આશરે 14 ટકા ઉછાળો જોવા મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે મંદીની સ્થિતિ અનુકૂળ ના હોવા છતાં ભારતની નિકાસમાં વાર્ષિક 94 અબજ ડોલરની છલાંગ લગાવી હતી. નાણાં વર્ષમાં કુલ કપડાંની નિકાસ 422 અબજમ ડોલર રહી હતી, જે પાછલા વર્ષની તુલનામાં છ ટકા વધુ છે. FY23માં સર્વિસિસની નિકાસ પણ 27.16 ટકા વધીને 323 અબજ ડોલર થઈ હતી. FY22માં એ 254 અબજ ડોલર હતી. પેટ્રોલિયમ નિકાસ મામલમાં 40 ટકાનો ઝડપી ઉછાળો નોંધાયો હતો. FY23માં એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન, હેન્ડલૂમ પ્રોડક્ટ, પ્લાસ્ટિક અને લિનોલિયમ, આયર્ન અને રત્ન અને આભૂષણની કેટેગરીમાં નિકાસમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો.
વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે અને 2022-23માં 14 ટકા વધીને 770 અબજ ડોલર હતી. તેમણે રોમમાં કહ્યું હતું કે ભારતની નિકાસનો દેખાવ શાનદાર રહ્યો છે. 2020માં એ 500 અબજ ડોલરની તથા 2021-22માં 676 અબજ ડોલર હતી.