અમદાવાદના ‘મિની બાંગ્લાદેશ’માં ઘૂસણખોરો પર બુલડોઝર કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોળા તળાવ પર બનેલા આશરે 3000 ગેરકાયદે બાંધકામોને દૂર કરવા સહિત એક આલીશાન ફાર્મ હાઉસ પર ધ્વસ્ત કર્યું છે. આ સાથે એક લાખથી વધુ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે. આ ફાર્મ હાઉસમાં ઘૂસણખોરોને સંરક્ષણ પણ આપવામાં આવતું હતું. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે જ આ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 JCB અને 60 ડમ્પરોનો ખડકલો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ , સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમ જ AMCના અધિકારીઓની હાજર રહ્યા છે. ન માત્ર ઘૂસણખોરો પર પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2000 વારના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

પોલીસના જવાનો સિવાય 700 જેટલા SRP જવાન તહેનાત કરવામાં આવ્યા છે. 10  SRP કંપની તહેનાત કરવામાં આવ્યા છે.