બજેટઃ ટેક્સ સ્લેબમાં ફેરફારો, રાહતોની શક્યતા

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ કાળનું બજેટ 2025) રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ અને સામાન્ય લોકો ઈન્કમટેક્સમાં મોટા સુધારાઓ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. સામાન્ય માણસ પરનો બોજ ઘટાડવા માટે કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવશે કે કેમ? તેના વિશે અનેક અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે.

આ વર્ષના બજેટમાં ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફારો અને રાહતોની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. વધુમાં જૂની ટેક્સ વ્યવસ્થામાં વધુ કપાતનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. નિષ્ણાતો સૂચવે છે કે સરકારે કલમ 80 TTA (સેવિંગ્સ એકાઉન્ટ વ્યાજ) હેઠળ કપાત મર્યાદા રૂ. 10,000થી વધારીને રૂ. 20,000 કરવા પર વિચાર કરાવાની શક્યતા છે. કલમ 80 TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે કપાત મર્યાદા વધારી રૂ. 1 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે હાલમાં રૂ. 50,000 (ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ માટે) છે.

કલમ 80 TTB અનુસાર, વરિષ્ઠ નાગરિકોને એફડી, રિકરિંગ અને સેવિંગ ડિપોઝિટમાંથી મળતી આવક પર રૂ. 50,000 સુધીની કરકપાત મળે છે. આ કપાત બચત અને ફિકસ્ડ ડિપોઝિટ સહિત બેન્ક ડિપોઝિટ પર મળતાં વ્યાજની આવક સાથે સાથે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર પણ લાગુ છે.દેશમાં વધતાં સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતાં કલમ 80 TTB અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000ની વર્તમાન મર્યાદા વધારી ઓછામાં ઓછી રૂ. 1 લાખ કરવી જોઈએ. આ મર્યાદા સંશોધિત RBI દ્વારા અપેક્ષિત રેપો રેટમાં ઘટાડાના કારણે વ્યાજદરોમાં સંભવિત અછતને સંતુલિત કરવામાં મદદ કરશે. આ ફેરફારોથી વધુને વધુ લોકો નવી ટેક્સ વ્યવસ્થા સાથે જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.