PM મોદીને સમર્થનથી શશિ થરૂરનો કોંગ્રેસમાં બોયકોટ?

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા શશિ થરૂર હાલ પોતાની જ પાર્ટીમાં ઘેરાયેલા છે. ઓપરેશન સિંદૂર પછી તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટી સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેઓ આ બાબતોને વાતચીતથી ઉકેલી લેશે. હવે કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરને શશિ થરૂર પર સીધો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી શશિ થરૂર પોતાનું વલણ બદલતા નથી, ત્યાં સુધી તેમને પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે.

શશિ થરૂર કેરળની રાજધાની તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચોથી વખત સાંસદ બન્યા છે. તેઓ રાજ્યના રાજકારણમાં અત્યંત લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે, છતાં કે. મુરલીધરને સ્પષ્ટ કહ્યું છે કે હવે તેમને તેમના જ સંસદીય ક્ષેત્ર એટલે કે તિરુવનંતપુરમમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં આમંત્રિત નહીં કરવામાં આવે.

તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી થરૂર રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાનું વલણ બદલતા નથી, ત્યાં સુધી તેમને કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં આમંત્રિત નહીં કરવામાં આવે. આ નિવેદન પછી હવે પ્રશ્નો ઊઠવા લાગ્યા છે કે શું કોંગ્રેસ હવે પોતાના જ દિગ્ગજ નેતાનો કેરળમાં અઘોષિત રીતે બોયકોટ કરી રહી છે?

શશિ થરૂર પર કાર્યવાહી કરશે કોંગ્રેસ હાઈકમાન્ડ?

કે. મુરલીધરને મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું  કે થરૂર હવે અમારી સાથે નથી, તેથી તેમના દ્વારા કોઈ કાર્યક્રમનો બોયકોટ કરવાનું પ્રશ્ન જ નથી. તેમણે ઉમેર્યું હતું  કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય હોવા છતાં થરૂરને હવે અમારી વચ્ચેના સભ્ય તરીકે નહીં માનવામાં આવે. પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે કે તેમની સામે શાં પગલાં લેવામાં આવે.