મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T-2) પર એક મુસાફરના અત્યંત બેજવાબદાર મજાકને કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરે તેના બેગમાં બોમ્બ હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટેક-ઓફ માટે તૈયાર ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈ-દિલ્હી ફ્લાઈટને તુરંત જ રોકી દેવી પડી હતી.

9 August ની ઘટના, ટેક-ઓફ પહેલા જ મચ્યો હડકંપ
આ ઘટના 9 August ની છે. મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટ ટેક-ઓફ કરવાની પૂરી તૈયારીમાં હતી. ટર્મિનલના એરપોર્ટ બોર્ડિંગ ગેટ પર એરલાઈનના અસિસ્ટન્ટ સિક્યુરિટી મેનેજર ઓમપ્રકાશ રાજભર અને સુરક્ષા અધિકારી રવીન્દ્ર રોકડે મુસાફરોના હેન્ડ બેગ્સની રૂટિન ચેકિંગ કરી રહ્યા હતા. સુરક્ષા નિયમો મુજબ અધિકારીઓએ જ્યારે યાત્રીને સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે શું તેના બેગમાં બાકસ, લાઈટર, કાતર કે અન્ય કોઈ પ્રતિબંધિત સામાન છે? તો 55 વર્ષીય મુસાફર અનુજ જયરામ સુવર્ણાએ ખૂબ જ બેદરકારીથી જવાબ આપ્યો કે તેના બેગમાં બોમ્બ છે.
બોમ્બ શબ્દ સાંભળતા જ સિક્યુરિટી એલર્ટ, ફ્લાઈટ ખાલી કરાવાઈ
અધિકારીઓએ બોમ્બ શબ્દ સાંભળતા જ તુરંત જ વરિષ્ઠ અધિકારીઓ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને જાણ કરી હતી. CISF ના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આરોપી મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારી કસ્ટડીમાં લીધો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સમગ્ર વિમાન ખાલી કરાવવામાં આવ્યું હતું. તમામ યાત્રીઓને નીચે ઉતારીને CISF અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા આખા પ્લેન, કાર્ગો અને તમામ મુસાફરોના સામાનનું કલાકો સુધી ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કલાકોની તપાસ બાદ કશુંય શંકાસ્પદ ન મળતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઈટને દિલ્હી માટે રવાના કરાઈ હતી.
પોલીસ પૂછપરછમાં કહ્યું- “હું માત્ર મજાક કરતો હતો”
CISF દ્વારા આરોપી અનુજ સુવર્ણાને આગળની કાનૂની કાર્યવાહી માટે સહાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો હતો કે તેણે આ વાત માત્ર મજાકમાં કહી હતી અને તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. પોલીસે તેને વોર્નિંગ નોટિસ આપીને છોડી દીધો હતો, પરંતુ કેસની તપાસ હજુ પણ ચાલુ છે. સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ કે ફ્લાઈટ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર આવા ગંભીર અને ડરામણા મજાક સાંખી લેવામાં આવશે નહીં. આ અવિચારી મજાકને કારણે સેંકડો મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને કલાકો સુધી ફ્લાઈટ ખોરવાઈ ગઈ હતી.




