મેઘાલય હનીમૂન હત્યાકાંડનો મોટો ખુલાસો, સોનમ રઘુવંશીએ કેમ કરાવી પતિ રાજાની હત્યા?

મેઘાલય: પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે પત્ની સોનમ સહિત ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, રાજા રઘુવંશીની હત્યા કરવા માટે હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

શનિવાર (07 જૂન, 2025)ના રોજ, એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે, ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા, ત્યારે તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ગાઇડે પોલીસને આ માહિતી આપી હતી.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટર પર લખ્યું, ‘મેઘાલય પોલીસે રાજા હત્યા કેસમાં 7 દિવસમાં મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે, એક હુમલાખોર હજુ પકડાયો નથી.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમે પોતે ગાઝીપુરથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આ પછી તેના પરિવારે ઇન્દોર પોલીસને જાણ કરી હતી. એવું માનવામાં આવે છે કે સોનમ ભાગીને કંટાળી ગઈ હતી અને પોતાને ફસાયેલી જોઈને તેણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલેથી જ હત્યા કરવાનો પ્લાન હતો 

મેઘાલય પોલીસ અને સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે સોનમ તેના પતિ રાજાને હનીમૂન માટે નહીં પરંતુ તેની હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી. હત્યારાઓ પણ મધ્યપ્રદેશના હોવાનું બહાર આવ્યું હોવાથી, એવું માનવામાં આવે છે કે હત્યા પહેલેથી જ પ્લાન હતી અને તેને ષડયંત્રના ભાગ રૂપે મધ્યપ્રદેશથી મેઘાલય લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સમગ્ર મામલો શું છે ?

ઇંદોરનું આ કપલ 11 મે 2025 ના રોજ લગ્ન પછી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ 20 મેના રોજ મેઘાલય પહોંચ્યા અને 23 મેના રોજ છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી. આ પછી, તેમના બંને ફોન બંધ થઈ ગયા હતા.

સોહરારિમ વિસ્તારમાં દંપતીની ભાડે લીધેલી  સ્કૂટી  મળી આવી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો સડી ગયેલો મૃતદેહ વેઈ સોડોંગ ધોધ નજીક એક ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેની પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારને અપહરણ કે માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી. શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે આરોપીની પૂછપરછ બાદ જ જાણી શકાશે.

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીએ 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળી આવ્યા બાદ આ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.