ભારતીય ક્રિકેટ ટીમના વિદેશી ધરતી પર તાજેતરના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક્શન મોડમાં આવી ગયું છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, સીનિયર સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકર અને સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE)ના હેડ વીવીએસ લક્ષ્મણને ગુરુવારે મુંબઈ સ્થિત બોર્ડના મુખ્ય મથકે મહત્વપૂર્ણ બેઠક માટે તેડું મોકલ્યું છે. આ બેઠકમાં માત્ર આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે થયેલી શરમજનક હારનું જ પોસ્ટેમોર્ટમ નહીં થાય, પરંતુ ખેલાડીઓની સતત વણસતી ફિટનેસ, ઈજાઓનું સંચાલન, IPLનો વર્કલોડ અને 2027 વનડે વર્લ્ડ કપ માટેના ભવિષ્યના રોડમેપ પર ગંભીર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસે ચિંતા વધારી
ભારતીય ટીમ માટે તાજેતરના વિદેશી પ્રવાસો અત્યંત નિરાશાજનક રહ્યા છે. જૂન મહિનામાં આયર્લેન્ડ સામેની બે T20I મેચોની સિરીઝમાં ભારતને 2-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ટીમના સતત 16 સિરીઝથી અજેય રહેવાના રેકોર્ડનો પણ અંત આવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસમાં T20I સિરીઝમાં 4-0થી વાઈટવોશ અને વનડે સિરીઝમાં 2-1થી પરાજય થતાં બોર્ડની ચિંતામાં ભારે વધારો થયો છે.
ખેલાડીઓ અને CoE વચ્ચે તાલમેલનો અભાવ?
આ બેઠકમાં બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ (CoE)ની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. અહેવાલો મુજબ, અનેક ખેલાડીઓને CoEની ફિટનેસ પ્રક્રિયા પર ભરોસો રહ્યો નથી. સિલેક્શન કમિટી અને CoE વચ્ચે કોમ્યુનિકેશન ગેપ પણ સામે આવ્યો છે. જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર જેવા મુખ્ય ખેલાડીઓની ઈજાઓ અંગે સિલેક્ટર્સને સમયસર સાચી માહિતી ન મળવાના બનાવો બાદ બોર્ડ હવે સમગ્ર ફિટનેસ મિકેનિઝમની સમીક્ષા કરવા જઈ રહ્યું છે.
IPL વર્કલોડ અને હાર્દિક પંડ્યાની ફિટનેસ પર નજર
IPLની લાંબી સિઝન બાદ ખેલાડીઓ પર પડતા શારીરિક દબાણ (વર્કલોડ) અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ સિલેક્ટર્સ માટે મોટો પ્રશ્ન બની છે. 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હાર્દિક સંપૂર્ણ ફિટ રહે તે જરૂરી છે, પરંતુ હાલ તે વનડેમાં 5-6 ઓવરથી વધુ બોલિંગ કરવાની સ્થિતિમાં નથી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને આગામી મહત્વની સિરીઝોને ધ્યાનમાં રાખીને ફાસ્ટ બોલર્સનો એક સક્ષમ અને ફિટ પૂલ તૈયાર કરવા પર BCCI ધ્યાન કેન્દ્રિત કરશે.




