એક્સિઓમ 4 મિશનઃ ISSમાં ઊતર્યા શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ યાન

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું સ્પેસક્રાફ્ટ હવે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) ડોકિંગ  કરી ચૂક્યું છે. આ  દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશવાસીઓ આ પળની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શુભાંશુ શુક્લા 41 વર્ષ બાદ અંતરિક્ષમાં પહોંચનાર બીજા ભારતીય છે. તેમના પહેલાં રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય હતા. નાસાએ શુભાંશુ શુક્લાના સ્પેસક્રાફ્ટની ડોકિંગની સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ પણ કર્યું છે.

 ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા Axiom-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સના ડ્રેગન કૅપ્સ્યુલ દ્વારા ISS સાથે જોડાઈ ગયું છે. આ ડ્રેગન કેપ્સ્યુલ નિયત સમય કરતાં 20 મિનિટ વહેલા ડોક થયું. ત્યાર બાદ લગભગ 1-2 કલાક સુધી તપાસ કરવામાં આવશે, જેમાં હવાના લીકેજ અને દબાણની સ્થિરતાની ખાતરી કરવામાં આવશે. તેની પુષ્ટિ થયા પછી જ ક્રૂ ISSમાં પ્રવેશ કરશે.

આ યાન 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીથી 418 કિમી ઊંચાઈએ કક્ષામાં ફરતું હતું. લોન્ચ બાદ તેણે લગભગ 26 કલાકની સફર પૂર્ણ કરી છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. આ માટે યાને ઘણા ઓર્બિટલ મેન્યુવર્સ કર્યા હતા જેથી તે ISSની કક્ષાની સાથે અલાઇન થઈ શકે.

ડ્રેગન કેપ્સ્યુલની ડોકિંગ પ્રક્રિયા

ડ્રેગન કેપ્સ્યુલનું ISS સાથેનું ડોકિંગ પૂર્ણરૂપે સ્વચાલિત (autonomous) પ્રક્રિયા છે, પરંતુ શુભાંશુ અને કમાન્ડર પેગી વ્હીટસન તેની નિગરાની કરશે. આ પ્રક્રિયા ચોકસાઇ અને સુરક્ષા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. તેને ચાર મુખ્ય તબક્કામાં સમજાવી શકાય છે.

રેન્ડેજવૂ (Rendezvous): લોન્ચ પછી ડ્રેગન કૅપ્સ્યુલ 90 સેકંડ માટે એન્જિન ફાયરિંગ કરીને તેની ગતિ અને દિશાને સમાયોજિત કરે છે. બપોરે 2:33 વાગ્યે (IST) સુધી યાન ISSથી લગભગ 400 મીટર નીચે અને સાત કિમી પાછળ હતું અને હવે તે માત્ર 200 મીટરની દૂર છે. સ્પેસએક્સ અને નાસાના ગ્રાઉન્ડ કંટ્રોલર યાનની સિસ્ટમ્સની ચકાસણી કરે છે.