મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારની સાંજે અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ટાઈગર શ્રોફ ફૂટબોલ મેચ રમીને પોતાના ઘરે પર ફરી રહ્યા હતા, તે જ સમયે હુમલાખોરોએ તેમની બીએમડબલ્યુ કારને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઈગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે તેમના ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હુમલાખોરોને શોધીને પકડવામાં આવશે અને તેમને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવામાં આવશે.” બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસને તાત્કાલિક ધોરણે ઊંડી તપાસ કરવાના કડક નિર્દેશો આપ્યા છે અને ટાઈગર સાથે ફોન પર વાત કરીને સરકાર તેમની સાથે હોવાનો ભરોસો અપાવ્યો છે. એકનાથ શિંદેએ ફાયરિંગની આ ઘટનાની આડેહાથ નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, “મુંબઈ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અનેક વિશેષ ટીમો બનાવી છે. આ હુમલા પાછળ જે કોઈ પણ વ્યક્તિ સામેલ હશે, તેને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.”

શિંદેએ વધુમાં જણાવ્યું કે તેમણે માત્ર ટાઈગર શ્રોફ સાથે જ નહીં, પરંતુ તેમના પિતા જેકી શ્રોફ સાથે પણ ફોન પર વાતચીત કરી છે. તેમણે ટાઈગરને આશ્વાસન આપ્યું કે તેમણે જરાય ચિંતા કરવાની જરૂર નથી, રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતાઈથી ઊભી છે. એકનાથ શિંદેએ એ પણ સ્પષ્ટ કર્યું કે મુંબઈમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા હોય કે પછી ફિલ્મી સિતારાઓની, તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને સરકારની છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે મુંબઈમાં અગાઉ બનેલી ગેંગવરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોલીસ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવી ચૂકી છે અને મુંબઈમાં દહેશત ફેલાવનારા તત્વો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ગોળીબારની ઘટના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરને ટેલિફોન કરીને સમગ્ર મામલાની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ત્વરિત તપાસ હાથ ધરવા અને દોષિતો સામે કાયદાનો સકંજો કસીને કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારે પણ ટાઈગર શ્રોફના પરિવાર સાથે ફોન પર વાતચીત કરીને તેમનું કુશળક્ષેમ પૂછ્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરવામાં સક્રિયપણે જૂટી છે કે આ ફાયરિંગ કોણે કર્યું અને તેની પાછળનો વાસ્તવિક હેતુ શું હતો.
રોહિત પવારે સરકારને ઘેરી
નેશનલ કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP) ના ધારાસભ્ય રોહિત પવારે ટાઈગર શ્રોફની કાર પર થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ટાઈગર આ હુમલામાં હેમખેમ બચી ગયા, પરંતુ જો કલાકો અને મોટા નેતાઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું થશે? રોહિત પવારે દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. તેમણે મુખ્યમંત્રીને ગૃહ વિભાગની જવાબદારી અન્ય કોઈ યોગ્ય ધારાસભ્યને સોંપવાની અપીલ કરી છે, જેથી રાજ્યના નાગરિકો પોતાની જાતને સુરક્ષિત અનુભવી શકે.

આ દુર્ઘટના રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ઘટી હતી. ટાઈગર શ્રોફ ફૂટબોલ મેચ રમીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની બીએમડબલ્યુ કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે ટાઈગરને કોઈ ઈજા પહોંચી ન હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ડ્રાઈવર ફિરદૌસ પણ સામેલ છે, જેના હાથમાં ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દીધી છે. ફાયરિંગની આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં અનિલ પંડિત અને હરમાન સંધુના નામો પણ સામે આવ્યા છે, અને દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ શખ્સો ગેંગ સાથે જોડાયેલા છે.






