નવી દિલ્હી: ભારતની યુવા રેસિંગ પ્રતિભા અતીકા મીરે મોટરસ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ ફેડરેશન (FIA)ના ગર્લ્સ ઓન ટ્રેક – રાઇઝિંગ સ્ટાર્સ (FIA Girls On Track Rising Stars) પ્રોગ્રામ માટે તેની પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે અતીકા આ પ્રતિષ્ઠિત વૈશ્વિક પહેલ માટે પસંદ થનાર એકમાત્ર ભારતીય ડ્રાઈવર છે.
૧૨થી ૧૪ વર્ષની જૂનિયર કેટેગરીમાં સ્થાન મેળવનાર અતીકા આ પ્રોગ્રામની સૌથી યુવા ડ્રાઈવરો પૈકીની એક છે. તાજેતરમાં જ ચેમ્પિયન્સ ઓફ ધ ફ્યુચર એકેડેમી (COTFA) ચેમ્પિયનશિપ અને એફઆઈઆર કાર્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે આ પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બાદ હવે તે ઇટાલીના ક્રેમોના સર્કિટ ખાતે યોજાનાર ત્રણ દિવસીય સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સાથે સંબંધ ધરાવતી અતીકા મીર અગાઉ પણ ફોર્મ્યુલા 1 એકેડેમીના ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે પસંદ થનાર પ્રથમ ભારતીય અને એશિયન મહિલા રેસર રહી ચૂકી છે. તેની આ સફર ભારતની યુવતીઓ માટે મોટરસ્પોર્ટ્સ ક્ષેત્રે નવી રાહ ખોલી રહી છે.






