કેજરીવાલને મળી ધમકી : બિશ્નોઈ ગેંગના નામે 7 કરોડની ખંડણી માંગવામાં આવી

નવી દિલ્હી/ચંદીગઢ: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળી છે. ફોન કરનાર શખ્સે કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને ખતમ કરવાની ધમકી આપીને 7 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે આ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમને એક ફોન અને વોટ્સએપ મેસેજ મળ્યા હતા, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આ ધમકી આપી હતી. દિલ્હીના તિલકનગરના ધારાસભ્ય જરનૈલ સિંહે આ મામલે ગત 6 નવેમ્બરે મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને કેજરીવાલ તથા તેમના પરિવારની સુરક્ષા વધારવાની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોહાલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર આ મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસ ફોન કોલની વિગતો, IP લોગ્સ અને લોકેશન ડેટાના આધારે ધમકી આપનાર અજાણ્યા શખ્સની ઓળખ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરી રહી છે.