નેટફ્લિક્સની ઈવેન્ટમાં અર્જુન રામપાલ થયો ઘાયલ

મુંબઈ: નેટફ્લિક્સે મુંબઈમાં ઇવેન્ટમાં તેની આગામી ફિલ્મો અને વેબ સીરિઝની જાહેરાત કરી, જે 2025 માં રિલીઝ થવાની છે. રાણા દગ્ગુબાતી અને વેંકટેશની વેબ સીરિઝ ‘રાણા નાયડુ 2’ ના રિલીઝની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહેલા બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે પણ ભાગ લીધો હતો. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અર્જુન રામપાલ ઘાયલ થયો છે.

આ કાર્યક્રમમાં અર્જુન રામપાલે કાચની ફ્રેમ તોડીને સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી કરી. આ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. અભિનેતાની આંગળીઓમાંથી લોહી નીકળતું હોવા છતાં તે કાર્યક્રમમાં રહ્યો હતો. ઈજાને કારણે તે કાર્યક્રમ દરમિયાન અસ્વસ્થ દેખાતો હતો,પરંતુ ચહેરા પર સ્મિત સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ટેકનિકલ કારણોસર કાચ તૂટ્યો નહીં

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે કાર્યક્રમમાં લગાવવામાં આવેલ કાચ યોગ્ય રીતે તૂટ્યો ન હતો, જેના કારણે અર્જુન રામપાલે તેને પોતાના હાથે તોડવો પડ્યો હતો. જેના કારણે તેના હાથમાં ઈજા થઈ હતી.

સોમવારે વેબ સીરિઝની બીજી સીઝનની જાહેરાત સાથે તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું. નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યું, “હવે વિનાશ શરૂ થશે મામુ, કારણ કે આ રાણા નાયડુની શૈલી છે. 2025 માં આવી રહેલી ‘રાણા નાયડુ સીઝન 2’ ફક્ત નેટફ્લિક્સ પર જુઓ.” આ વેબ સીરિઝમાં સુચિત્રા પિલ્લઈ, અભિષેક બેનર્જી, ગૌરવ ચોપરા, સુરવીન ચાવલા, ઇશિતા અરુણ અને કૃતિ ખરબંદા પણ છે.