ગુજરાતમાં વરસાદને લઈ અમિત શાહે સમીક્ષા બેઠક કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વરસાદને લઈ સમીક્ષા કરી છે. જેમાં મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક ચર્ચા કરી વિગતો મેળવી છે. તેમજ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ રાહત બચાવ કામગીરી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈ કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક કરી છે, સાથે સાથે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને ગુજરાતના વરસાદને લઈ માહિતી મેળવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ રાહત બચાવ કામગીરી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે. મુખ્ય સચિવે બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા તમામ જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું. હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે તમામ જાણકારી આપી હતી.