અમદાવાદમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો પ્રારંભ : 1,152 ખેલાડીઓ સામેલ

અમદાવાદ: નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’નો ભવ્ય પ્રારંભ થયો. દેશના વિવિધ પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસની યજમાનીમાં તા. ૧૯થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનું ઉદ્ઘાટન રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ૧૦ કેન્દ્રીય પોલીસ સંગઠનો, ૨૪ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૩૮ ટીમની આ સહભાગિતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને જીવંત કરે છે. તણાવપૂર્ણ ફરજ વચ્ચે રમતગમત પોલીસકર્મીઓને શારીરિક રીતે ચુસ્ત અને માનસિક રીતે સશક્ત બનાવે છે, જે ફરજના મોરચે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમ ભાવના કેળવવામાં મદદરૂપ થાય છે. તેમણે ખેલાડીઓને અનુશાસન અને સાચી ખેલદિલી સાથે રમવા આહ્વાન કર્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) પિયુષ પટેલે સ્પર્ધાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બેડમિન્ટન અને ટેબલ ટેનિસની આ સ્પર્ધામાં કુલ ૧,૧૫૨ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દાખવશે, જેમાં ૨૭૨ મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના ૪૬૩ ગેઝેટેડ ઓફિસર્સ અને ૬૯૯ નોન-ગેઝેટેડ ઓફિસર્સ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જેમાં CRPF, BSF, CISF, NDRF અને IB સહિતના દળો સામેલ છે. ઉદ્ઘાટન સમારોહમાં ફ્લેગ હોસ્ટિંગ સેરેમની બાદ ખેલાડીઓએ ખેલદિલીના શપથ ગ્રહણ કર્યા હતા અને આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. આ પ્રસંગે ડીજીપી કે. એલ. એન. રાવ, IBના એડિશનલ ડિરેક્ટર રાજીવ આહિર, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને આઇજી એડમિન ગગનદીપ ગંભીર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.