1991 માં, એક સામાન્ય દેખાતા અભિનેતા, જે કેટલાક રોમાંચક એક્શન દ્રશ્યો ભજવવામાં સક્ષમ હતા, તેમણે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો. લોકોને ખાતરી નહોતી કે તે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી શકશે કે નહીં. ઠીક છે, એ તો બધા જાણે છે કે ફિલ્મ ઉદ્યોગ સારા દેખાવથી ગ્રસ્ત છે અને તે સમયે, એક સામાન્ય દેખાતો વ્યક્તિ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ અજય દેવગનની. આજે અભિનેતાનો જન્મ દિવસ છે.
બૉલિવૂડ અભિનેતા અજય દેવગનનો આજે જન્મ દિવસ છે. પરંતુ શું તમને ખબર છે કે ગ્લેમરની દૂનિયામાં પોતાની ફિલ્મોની લાંબી સફર ખેડનાર અભિનેતાનું સાચું નામ અજય દેવગન નહોતું. અભિનેતાનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે. અજય દેવગણ એક એવા સુપરસ્ટાર છે જેણે પોતાની કારકિર્દીમાં જોખમ લેવાની હિંમત કરી, જ્યારે કે તે એક એક્શન હીરો બનીને રહી શક્યા હોત.અભિનેતાના જન્મ દિવસ પર તેમની કેટલીક ફિલ્મ વિશે વાત કરીએ.
હમ દિલ દે ચૂકે સનમ
તેમણે એક એવા પતિની ભૂમિકા ભજવી હતી જેણે પોતાની પત્નીને તેના જીવનના પ્રેમ સાથે ફરીથી જોડવાની જવાબદારી લીધી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અજયને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
ઓમકારા
આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. આ ફિલ્મ શેક્સપિયરના નાટકનું રૂપાંતરણ હતું અને અજયે ઓથેલોની ભૂમિકા ભજવી હતી. પોતાના શક્તિશાળી અભિનયથી, તેમણે સાબિત કર્યું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા માટે જ બન્યા છે.
સિંઘમ
એક્શન એ અજયની તાકાત છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં તે એક મજબૂત પોલીસ અધિકારીની ભૂમિકામાં અદ્ભુત દેખાતા હતા. અદ્ભુત એક્શન દ્રશ્યો અને સીટીઓ વાગવા લાયક સંવાદો સાથે આ ફિલ્મ ખૂબ જ હિટ સાબિત થઈ.
ગોલમાલ
અજય દેવગન જેટલી એક્શન ફિલ્મમાં નિપુણ છે એટલા જ કૉમેડીમાં પણ. જે તેમણે ગોલમાલ ફિલ્મ કરીને સાબિત કર્યુ. કૉમેડી ફિલ્મ ગોલમાલમાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.
રેડ
નાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. આ ફિલ્મમાં અજય દેવગન સાથે ઇલિયાના ડી’ક્રુઝ અને સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગણે એક પ્રામાણિક ઈન્કમ ટેક્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ
આ ફિલ્મમાં અજય દેવગણે ક્રાંતિકારી ભગત સિંહની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રને સારો ન્યાય આપ્યો હતો. તેમણે પોતાના અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા.
