ગો ફર્સ્ટ ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂક મામલે એરલાઈને નિવેદન જારી કર્યું

ગો ફર્સ્ટ એરની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂકના મામલે હવે એરલાઈન્સ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. ગો ફર્સ્ટ એર એ રવિવારે (8 જાન્યુઆરી) જણાવ્યું હતું કે ફ્લાઇટ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 6 જાન્યુઆરીએ G8-372 ગોવા-મુંબઈ ફ્લાઈટમાંથી બે વિદેશીઓને ઉતારવામાં આવ્યા હતા. બંને મુસાફરોએ ક્રૂ મેમ્બરો પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સાથી મુસાફરોને પણ હેરાન કર્યા હતા.

ગો ફર્સ્ટ એર એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાઇલટ-ઇન-કમાન્ડે તરત જ બંને મુસાફરોને ઉતારવાનો નિર્ણય કર્યો અને તેમને એરપોર્ટ સુરક્ષાને સોંપી દીધા. આ મામલે આગળની કાર્યવાહી માટે DGCAને જાણ કરવામાં આવી છે.

એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કર્યું

ઉલ્લેખનીય છે કે, ગો ફર્સ્ટ એરની ફ્લાઈટમાં વિદેશી મુસાફરોએ એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. એરલાઈને કહ્યું હતું કે એક વિદેશી મુસાફરે એક એર હોસ્ટેસને તેની બાજુમાં બેસવાનું કહ્યું હતું અને અન્ય પેસેન્જરે એર હોસ્ટેસ સાથે અશ્લીલ વાત કરી હતી. આ ફ્લાઈટ ગોવાના નવા એરપોર્ટથી દિલ્હી જઈ રહી હતી.

ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કેસમાં વધારો થયો છે

હાલમાં જ ફ્લાઇટમાં પેસેન્જર્સ અને એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂકના ઘણા કિસ્સા સામે આવ્યા છે. અગાઉ 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ કથિત રીતે એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. દિલ્હી પોલીસે શનિવારે બેંગલુરુથી તેની ધરપકડ કરી હતી. દિલ્હીની પટિયાલા કોર્ટે મિશ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

અન્ય એક ઘટનામાં, ઈન્ડિગો એર હોસ્ટેસનો એક વિડિયો વાયરલ થયો હતો જ્યારે તેણી એક મુસાફરનો સામનો કરતી જોવા મળી હતી જે તેના પર બૂમો પાડી રહ્યો હતો. એરલાઈને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 16 ડિસેમ્બર, 2022ના રોજ ઈસ્તાંબુલથી દિલ્હી જતી 6E 12 ફ્લાઈટમાં જે ઘટના બની હતી તેનાથી અમે વાકેફ છીએ. આ મુદ્દો કોડશેર કનેક્શન દ્વારા મુસાફરી કરતા કેટલાક મુસાફરો દ્વારા પસંદ કરાયેલા ભોજનને લગતો હતો.

એરલાઈને કહ્યું હતું કે ઈન્ડિગો તેના ગ્રાહકોની જરૂરિયાતોથી વાકેફ છે અને અમારા ગ્રાહકોને નમ્ર અને મુશ્કેલી મુક્ત અનુભવ આપવાનો અમારો સતત પ્રયાસ છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને ખાતરી આપવા માંગીએ છીએ કે ગ્રાહકની સુવિધા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.