અમદાવાદ : IIM માં ‘મદન મોહનકા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઑફ લર્નિંગ’નું ઉદ્ઘાટન

અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદે તેના પ્રસિદ્ધ કેસ-બેઝ્ડ શિક્ષણ પદ્ધતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘મદન મોહનકા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઑફ લર્નિંગ’નું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટર આઈઆઈએમએના 1967 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ટેગા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મદન મોહનકાના યોગદાનથી સ્થપાયું છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વિનિત જોષી (સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ભારત સરકાર) હાજર રહ્યા. પ્રોફેસર શ્રીકાંત દતરે (ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય ભાષણ આપ્યું. મંચ પર મદન મોહનકા, ચેરમેન – ટેગા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પંકજ પટેલ, ચેરપર્સન, બોર્ડ ઑફ ગવર્નર્સ, આઈઆઈએમએ, પ્રોફેસર ભરત ભાસ્કર(ડિરેક્ટર, આઈઆઈએમએ) અને પ્રોફેસર સરલ મુખર્જી (ચેરપર્સન, નવા કેન્દ્ર) પણ ઉપસ્થિત રહ્યા. આ અવસર પર સંસ્થાના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ જોડાયો હતો.

કેન્દ્રના હેતુ

આ સેન્ટર દ્વારા કેસ પદ્ધતિ પર સંશોધન, શિક્ષણ અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ફેકલ્ટી સભ્યોને કેસ મેથડ ઇન્સ્ટ્રક્ટર તરીકે વધુ પારંગત બનાવવા માટે ટ્રેનિંગ, નવા કેસ સ્ટડીઝનું વિકાસ, વર્કશોપ, કોન્ફરન્સ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમોનું આયોજન થશે.

આ પ્રસંગે વિનિત જોષીએ જણાવ્યું કે, આજની દુનિયામાં એવા નેતાઓની જરૂર છે. જે અનિશ્ચિત પરિસ્થિતિમાં પણ નિર્ણયો લઈ શકે. કેસ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં આ કુશળતા વિકસે છે. આ સેન્ટરથી માત્ર વિદ્યાર્થીઓ નહીં, પરંતુ ફેકલ્ટી પણ સશક્ત બનશે. પ્રોફેસર શ્રીકાંત દતરે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે, કેસ પદ્ધતિ એ શિક્ષણનો એવો માર્ગ છે, જે AI અને ટેક્નોલોજીના યુગમાં પણ અપ્રસંગિક નહીં બને. તે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંને માટે અત્યંત ઉપયોગી છે. મદન મોહનકાએ કહ્યું કે, આ સેન્ટર કોઈ પ્રોજેક્ટનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ એક પ્રતિબદ્ધતાની શરૂઆત છે. એવી પ્રતિબદ્ધતા કે જેમાં શિક્ષણ વધુ અનુભવ આધારિત બને. ‘વિકસિત ભારત 2047’ માટે આપણને વધુ રોજગાર સર્જકોની જરૂર છે.

તો બીજી તરફ પંકજ પટેલે ઉલ્લેખ કર્યો કે, આઈઆઈએમએ હંમેશા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જ્ઞાન અને આર્થિક સહયોગથી સમૃદ્ધ બન્યું છે. આ સેન્ટર તેની જ એક સુંદર કડી છે. પ્રોફેસર ભરત ભાસ્કરે કહ્યું કે, આઈઆઈએમે ભારતમાં કેસ પદ્ધતિની શરૂઆત કરી હતી. હવે આ નવું કેન્દ્ર સંશોધન, નવીનતા અને સહકાર દ્વારા તેને વધુ મજબૂત બનાવશે.

ઉદ્ઘાટન પહેલા ‘Case Method in 2025: Taking Stock and Moving Forward’ નામની કોન્ફરન્સનું પણ આયોજન થયું, જેમાં વિવિધ મેનેજમેન્ટ સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેસ પદ્ધતિ સંબંધિત તેમના અનુભવ અને પહેલો રજૂ કર્યા. આ પહેલ આઈઆઈએમએ એન્ડોમેન્ટ ફંડના સહયોગથી શક્ય બની છે, જેમાં મદન મોહનકાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.