SRP જવાનો માટે વ્યસન મુક્તિનો ખાસ કાર્યક્રમ

અમદાવાદ: બીડી, સિગારેટ, ગુટકા, પાન-મસાલા જેમાં ભરપૂર તમાકુનો ઉપયોગ થાય છે. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચેતવણીઓ છતાં એના સેવનથી હજારો લોકો કેન્સર, અસ્થમા, હ્રદય રોગ, સ્ટ્રોક જેવી અનેક બિમારીઓ તરફ ધકેલાય છે. આજે તમાકુ નિષેધ દિવસે જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા. જેમાં શહેરના નરોડા રોડ પર આવેલી GCS હોસ્પિટલમાં પણ ગુજરાત પોલીસના એસ.આર.પી જવાનો માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

એક ખાસ વક્તવ્યમાં વ્યસનથી થતાં નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિષે એસ.આર.પી જવાનોને સમજવામાં આવ્યું. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જેટલાં પ્રકારના કેન્સર થાય છે એમાંથી 44% કેન્સર તમાકુના કારણે થાય છે. આ આંકડો ચોંકાવનારા છે. આ રજૂઆત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં GCS હોસ્પિટલ ખાતેના સાઈકિયાટ્રી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડો. ધર્મેશ પટેલે પોતાના વક્તવ્યમાં કરી હતી.

વક્તવ્યની સાથે GCS હોસ્પિટલ ખાતે SRP જવાનો માટે CPR તથા ફર્સ્ટ એઈડ તાલીમનું પણ આયોજન કરાયું હતું. જેમાં CPR ટ્રેનિંગ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. અંકિતા પટેલે આપી હતી. CPR કાર્ડિયાક એરેસ્ટ જેવી ગંભીર સ્થિતિમાં વ્યક્તિના હૃદયને પુનઃ ધબકતું કરવા અને લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મહત્વના અંગો સુધી પૂર્વવત્ત કરવા માટે અપાય છે. CPR દર્દીની છાતી પર હાથથી દબાણ આપીને તેમજ મોંએથી શ્વસન ફરી શરૂ કરવા માટે આપવામાં આવે છે. SRP જવાનોને ફર્સ્ટ એઈડ માટેની ટ્રેનિંગ GCS હોસ્પિટલના ઈમર્જન્સી મેડિસીન ડિપાર્ટમેન્ટના ડો. ઋષિ પટેલે આપી હતી. પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) એ નાની કે ગંભીર બીમારી અથવા ઈજા ધરાવતી કોઈપણ વ્યક્તિને આપવામાં આવતી પ્રથમ અને તાત્કાલિક સહાય છે, જેમાં જીવન બચાવવા, સ્થિતિને બગડતી અટકાવવા અથવા તબીબી સેવાઓ આવે ત્યાં સુધી દર્દીની કાળજી લેવામાં આવે છે.

આ ઉપરાંત GCS હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)