અમદાવાદ: શહેરના મણીનગર વિસ્તારના કોર્પોરેટર ડો.ચંદ્રકાંત ચૌહાણ જુલાઇ 2022 થી સતત દર શુક્રવારે કોઇપણ કામ હોય તો સાયકલ પર જ પ્રવાસ કરે છે. ચંદ્રકાંત ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના 2021માં ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર છે.
શારિરીક શિક્ષણમાં Ph.D.ની પદવી મેળવી ચૂકેલા મ્યુનિસિપલ કોર્પોરેટર ડો. ચંદ્રકાંત ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, “વધતી જતી વસ્તી અને પૃથ્વીની ઉપર નીચેથી આડેધડ વપરાતા સંશાધનોથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. એટલે આપણે દેશના નાગરિક તરીકે પર્યાવરણને બચાવવા અને કુદરતી સંશાધનો ઓછા વપરાય એવા પ્રયોગો આપણે કરવા જોઇએ એવી મારી દ્રઢ માન્યતા છે. યોગાનુયોગ અમદાવાદ શહેરના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાએ તમામ કોર્પોરેટર અને કર્મચારીઓને ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડેનો એક પ્રયોગ આપ્યો છે. સૌને સંકલ્પ કરવાનું કહ્યું કે શુક્રવારે પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણના રક્ષણ માટેના કાર્યક્રમના ભાગરૂપે સૌ તમામ કામગીરી સાઇકલિંગથી જ કરે. સૌની તો મને ખબર નથી પણ કમિશનર સાહેબે જ્યારે જેવું ફરમાન કર્યું ત્યારથી અત્યાર સુધી હું દર શુક્રવારે સાઇકલિંગ કરું છું. આ વખતે ચૂંટણીનો પ્રચાર પણ સાયકલ પર કર્યો હતો.”
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)