‘આદિપુરુષ’ના નિર્માતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અલ્હાબાદ હાઈકોર્ટે 27 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો

આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં હાજરી સામે બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના વકીલે અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ આવતીકાલે તેમની સામે સુનાવણી માટે વિનંતી કરે. હકીકતમાં, હાઈકોર્ટે ફિલ્મમાં ધાર્મિક પાત્રોને ખોટી રીતે દર્શાવવા બદલ નિર્માતા, દિગ્દર્શક અને સંવાદ લેખકને 27 જુલાઈએ રૂબરૂ હાજર થવા માટે કહ્યું છે.

શું છે સમગ્ર મામલો

તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મ આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર, સંવાદ લેખક મનોજ મુન્તાશિર ઉર્ફે મનોજ શુક્લાને સમન્સ પાઠવ્યા હતા અને આ તમામને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે 27 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો હતો

આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે ફિલ્મ આદિપુરુષને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી હતી. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રી પ્રકાશ સિંહની વેકેશન બેન્ચે ફિલ્મ પર પ્રતિબંધની વિનંતી કરતી બે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરી. આ અરજીઓ કુલદીપ તિવારી અને નવીન ધવન વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Adipurush

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ બનાવતી વખતે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જે બાદ અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર, ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને 27 જુલાઈના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો.